મોરબીમાં ખેડૂતે e-KYC નામની APK ફાઈલ ખોલતા બેંક ખાતા માંથી રૂ.૧૨.૫૦ લાખ ગાયબ
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી બદલાતા અંદાજિત પાંચ મહિના બાદ સાયબર ફ્રોડ ની ફરિયાદ નોંધાય
મોરબીમા વધું એક વ્યક્તિ સાયબર ગાંઠીયાનો શિકાર બન્યો છે જેમાં મોરબીના ઘુનડા ગામના ખેડૂતને વોટ્સએપ નંબર પર e-KYC નામની APK ફાઈલ મોકલી હતી જે ઓપન કરતા ખેડૂતના ઇન્ડસેઈન્ડ બેન્ક એકાઉન્ટમાથી ૧૨,૫૦,૦૦૦ ઉપાડી છેતરપીંડી કરી હતી. પરંતુ હદ તો ત્યારે થઈ છે જ્યારે ખેડૂત આ બનાવ અંગે ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ફરીયાદ લીધી નહી અને અંદાજે ચાર થી પાંચ મહિના સુધી પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા ત્યારે અંતે સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી બદલ્યા અને અધિકારી સારા આવ્યા જેથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હવે પાંચ મહિને ફરીયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે અગાઉ આટલા મહિના કેમ પોલીસ દ્વારા ફરીયાદ નોંધાવવામાં વિલંબ કરવામાં આવ્યો ?
મળતી માહિતી મુજબ મોરબીના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરતા નીતીનભાઇ ઠાકરીશીભાઈ કોટડીયા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ઘુનડા ગામે ખેતી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને મોરબીમા ઇન્ડસેઈન્ડ બેન્કમાં સેવીંગઝ એકાઉન્ટ ધરાવે છે. જેમા ફરીયાદીએ ઇન્ડસેઈન્ડ બેન્કના ખાતામાં ફિક્સ ડિપોઝિટ પેટે રૂ.૧૫,૦૦,૦૦૦ જમાં કરાવેલ હતા જેમાં ફિક્સ ડિપોઝિટ એક વર્ષ પુરતી સિમિત હતી. અને ફરીયાદી પોતાની ઘરે હોય ત્યારે ફરીયાદીના મોબાઈલમાં વોટ્સેપ નંબર પર મેસેજ આવેલ જેમાં APK ફાઈલ આવેવ જેમાં ઇન્ડસેઈન્ડ બેન્ક ઈ-કે.વાય.સી. લખેલ હોય જે ફાઈલ ઓપન કરતા ફરીયાદીના બેન્ક એકાઉન્ટમાં જે ૧૫,૦૦,૦૦૦ ફિક્સ ડિપોઝિટ પડી હતી તેમાંથી રૂ. ૧૨,૫૦,૦૦૦ ઉપાડી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.