ગિરનારી મંડળ – આયુર્વેદ, વનસ્પતિ અને પર્યાવરણ સેવા માટે સમર્પિત જ્ઞાન આંદોલન
“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો શાસ્ત્રોક્ત પ્રચાર, લોકોને સાચી અને સંયમિત ચિકિત્સાની સમજ આપવી, તેમજ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ, સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. સાથે સાથે, સમાજમાં પર્યાવરણના મહત્વ અંગે સમજ અને જવાબદારી વિકસે તે માટે પણ ગિરનારી મંડળ સતત પ્રયત્નશીલ રહ્યું છે.
ગિરનારી મંડળ દ્વારા વિવિધ સ્થળે 71 વનસ્પતિ પરિચય શિબિરોનું આયોજન થયેલ છે. દરેક શિબિરમાં સંચાલન શ્રી રતિગિરી અપારનાથી બાપુ દ્વારા થયેલ.
કોરોના કાળથી ગિરનારી મંડળ દ્વારા અત્યાર સુધીમાં 888થી વધુ વેબિનાર આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં આયુર્વેદના વિવિધ વિષયો પર દેશભરના વૈદ્યો, સંશોધકો, જ્ઞાનીજનો અને પ્રચારકોએ માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત, દર મહિને ભારતના અલગ-અલગ વિસ્તારોમાં જ્ઞાનગોષ્ઠી તથા શિબિરોનું આયોજન કરીને આયુર્વેદ અને વનસ્પતિજ્ઞાનને ગ્રામ્ય અને શહેરી જનમાનસ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે.
આ સમગ્ર પ્રવૃત્તિનું સુચારુ આયોજન, વનસ્પતિ પરિચય અને વેબિનાર સંચાલન ડો. કે. ડી. મિતલીયા સાહેબ દ્વારા કરવામાં આવે છે. તેઓ વેબિનારનું સંચાલન કરવા સાથે વનસ્પતિઓનો સરળ, વૈજ્ઞાનિક અને વ્યવહારુ પરિચય પણ આપે છે. આ ગ્રુપમાં વનસ્પતિ પરિચય અનેક વિદ્વાન મહાનુભાવોએ આપેલ છે.
મંડળ સાથે સંકળાયેલા વૈદ્ય કે.જે. ઝાલા દ્વારા વનસ્પતિઓના શાસ્ત્રોક્ત પરિચય, તેમના ઔષધીય ઉપયોગો તેમજ ખાસ કરીને બરડા ડુંગર વિસ્તારમાં ઉપલબ્ધ જડી-બુટીઓ અંગે મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે “બરડા ડુંગરની જડી-બુટી, આદર્શ નિઘંટુ” તથા “આર્ય ભીષક” ગ્રંથોમાં ઉલ્લેખિત વનસ્પતિઓની ઓળખ માટે સચિત્ર ફોટોગ્રાફ આધારિત PDF તૈયાર કરી, શાસ્ત્રજ્ઞાન અને ક્ષેત્રજ્ઞાનને જોડવાનું નોંધપાત્ર કાર્ય કર્યું છે.
આ ઉપરાંત, ભાવિનભાઈ દેસાઈ, જે “વનવગડો” ફેસબુક ગ્રુપના એડમિન છે, તેઓ પણ ગિરનારી મંડળ સાથે સંકળાઈ વનસ્પતિ જાગૃતિના કાર્યમાં સક્રિય સહયોગ આપી રહ્યા છે.
વિનોદભાઈ ખરા દ્વારા ગિરનારી મંડળના વેબિનારનું વ્યવસ્થિત રેકોર્ડિંગ કરીને યુ-ટયુબ દ્વારા તેની લિંક અપલોડ કરીને તેના પ્રસારણમાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવેલ છે.
ગિરનારી મંડળ સાથે અનેક વિદ્વાન, વૈદ્યો અને જ્ઞાનીજન જોડાયેલા છે. તેમાં આદરણીય ડો. જે. એન. પુરોહિત સાહેબ, વૈદ્ય વિનોદભાઈ ઠક્કર , ડો. મીનુ પરબિયા, અપારનાથી બાપુ, પ્રવીણ બાપુ, થાનકી, ચંદ્રશેખર ભાઈ, અનિલભાઈ, જોશી, જયદીપ ગઢિયા, સુશીલાબહેન રાઠોડ , મહેશભાઈ રાવલ, સિંહના ગોવાળ એવા રમેશભાઈ રાવલ સાહેબ, ભરતભાઈ ચૌહાણ, ભુરાભાઈ ઓડેદરા સહિત અનેક મહાનુભાવોએ આયુર્વેદ સેવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ સાથે, મંડળ સાથે જોડાયેલા અનેક સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બીજ બેંક (Seed Bank) ચલાવી વનસ્પતિઓના સંવર્ધન અને ફેલાવામાં પણ સક્રિય સહયોગ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત અનેક વૈદ્યો, જ્ઞાનીજનો, પ્રચારકો અને નિષ્ણાતો આ ગ્રુપ સાથે જોડાઈને આયુર્વેદના શાસ્ત્રોક્ત અને લોકહિતકારી પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
આ રીતે, ગિરનારી મંડળ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આયુર્વેદ, વનસ્પતિ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે એક વિશ્વસનીય, શાસ્ત્રનિષ્ઠ અને સેવાભાવપૂર્ણ મંચ તરીકે કાર્ય કરી રહ્યું છે.