ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોદામોમાં 11 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું!
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે. કેન્દ્ર અન્ન પુરવઠા મંત્રાલયે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ગોડાઉનોમાં કુલ મળીને 11 હજાર મેટ્રિક ટન અનાજ બગડ્યું છે.
ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે, વર્ષ 2023-24માં ગુજરાતમાં સરકારી ગોડાઉનોમાં 4322 મેટ્રિક ટન અનાજ બગડ્યું હતું. હજારો ટન અનાજ બગડ્યુ છતાંય ગુજરાત અન્ન પુરવઠા વિભાગે ઘડો લીધો નહીં પરિણામે વધુ અનાજ બગડ્યું હતું. વર્ષ 2024-25માં 6278 ટન અનાજ ખાવાલાયક રહ્યુ ન હતું. કુલ મળીને 10,600 મેટ્રિક ટન અનાજ સરકારી તંત્રની લાપરવાહીને કારણે બગડ્યુ હતું. બગડેલાં અનાજની અંદાજિત કિંમત રૂપિયા 34.50 કરોડ થાય છે.
ગુજરાતમાં કેટલાંય સરકારી ગોડાઉનો, જર્જરીત અવસ્થામાં પણ છે, તેમાં પણ સૌથી વધુ ઉંદરોનો ત્રાસ છે. કેટલાક ગોડાઉનમાં ભારે વરસાદ, વાવાઝોડુ કે પૂર આવે તો સરકારી ગોડાઉનો અનાજને સલામત રાખી શકે તેવા સક્ષમ નથી. આવા કારણોસર હજારો ટન અનાજ બગડી જાય છે. ગરીબોના અનાજને સાચવવા પુરતા પગલાં લેવાતાં નથી. કેન્દ્ર સરકારે જ રાજ્ય અન્ન પુરવઠા વિભાગની લાપરવાહી ખુલ્લી પાડી છે.