મોરબીના શ્રી હરિપાર્ક સોસાયટીમાં નજીવી બાબતે બે ભાઈઓ પર હુમલો
મોરબીના નજરબાગ નજીક આવેલી શ્રી હરિપાર્ક સોસાયટી માં નાના ભાઈને ગાળો દેતા શખ્સને સમજાવવા જતા યુવક અને તેના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં ટાઇલ્સના કટકા અને લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે જીવરાજ પાર્ક સોસાયટીમાં રહેતા તેમજ હાલ લખધીરપુર રોડ ઉપર લેક્ષેશ સીરામીકમાં રહેતા ભવિનભાઈ વિનોદભાઈ ચૌહાણ ઉવ.૨૯ વાળા અને તેમનો નાનો ભાઈ કેતનભાઈ ગત તા ૧૪/૦૧ ના રોજ દૂધ લઈને પરત પોતાના ઘરે જઈ રહ્યા હોય તે દરમિયાન શ્રી હરિપાર્ક સોસાયટી ગેટ પાસે અગાઉ કેટણભાઈને ગાળો આપી રહેલા આરોપી દિનેશભાઇ ત્યાં ઉભા હોય જેથી ભાવિનભાઈ તેને તે બાબતે સમજાવવા જતા આરોપી દિનેશભાઇ ચૌહાણ અને તેના ભાઈ પવો ચૌહાણે ભાવીનભાઇ ચૌહાણ તથા તેના નાનાભાઈ કેતન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ગાળો આપી ટાઇલ્સ જેવા પથ્થર અને લાકડાના ધોકાથી માથા તથા પગના ભાગે માર માર્યો હતો.મારપીટમાં ભાવીનભાઇ અને કેતનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, બનાવ દરમિયાન આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ બંને ભાઈઓને મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.