‘મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી’ નિમિતે મોરબીમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી કરાઈ
મોરબીમાં તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
મેજર ધ્યાનચંદજીને મહેમાનઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓ તથા કોચઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ હોકી, કબડ્ડી, ટેકવેન્ડો જેવી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
`આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન – ખેલે ભી, ખીલે ભી’ ના સૂત્રને સાકાર કરવાનો છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મેદસ્વીતા મુક્ત ગુજરાત’ મિશનને વેગ આપશે. ખેલાડીઓના શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના સરકારશ્રીના ઉમદા આશયથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬નું રજિસ્ટ્રેશનનું પણ શુભારંભ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં વિવિધ રમતોમાં રજિસ્ટ્રેશન કરાવી ખેલાડીઓ વધુ માં વધુ ભાગ લે અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી સર્વે ઉપસ્થિતો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સૌ ઉપસ્થિતોએ પ્રતિજ્ઞા લેઈને નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નું ભવ્ય આયોજન સફળ બનાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી તથા પદાધિકારી/અધિકારીઓ અને કોચ, શિક્ષકઓ અને ખેલાડીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.