કેન્દ્રીય બજેટ 2026મા સિરામિક ઉદ્યોગ માટે નીતિ આધાર, કર દરોમાં તર્કસંગતતા તથા સંસ્થાગત માળખાકીય સુવિધાઓ બાબતે કેન્દ્રીય મંત્રીને રજૂઆત
મોરબી સિરામિક મેન્યુફેક્ચર એશોશિએશન દ્વારા કેન્દ્રિયમંત્રી નિર્મલા સિતારામનને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર આજે વિશ્વના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનો એક બની ઉભરી આવ્યો છે. આ ક્લસ્ટર ભારતના ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, રોજગાર સર્જન તેમજ MSME આધારિત આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. સિરામિક ટાઇલ્સ, સેનેટરીવેર તથા સહાયક ઉત્પાદનોના વૈશ્વિક પુરવઠાકાર તરીકે ભારતને સ્થાપિત કરવામાં આ ક્લસ્ટરની નિર્ણાયક ભૂમિકા છે.
તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં સિરામિક ઉદ્યોગને હાઈ એનર્જી કોસ્ટ, ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર, વૈશ્વિક માંગમાં મંદી, લોજિસ્ટિક્સ ખર્ચ, પર્યાવરણીય અનુપાલનનું દબાણ તથા સસ્તી નાણાકીય સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતા જેવી ગંભીર માળખાકીય અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આવનારા કેન્દ્રીય બજેટમાં વિચારણા માટે નીચે મુજબના મહત્વપૂર્ણ નીતિગત તથા બજેટ સંબંધિત સૂચનો આદરપૂર્વક રજૂ કરીએ છીએ.
1. સિરામિક ઉત્પાદનો પર GST દર 18%માંથી ઘટાડીને 5% કરવા બાબત:
હાલ સિરામિક ટાઇલ્સ તથા સંબંધિત ઉત્પાદનો પર લાગુ 18% GST દરના કારણે માંગ, રોકડ પ્રવાહ અને સ્પર્ધાત્મક ક્ષમતામાં ખાસ કરીને MSME એકમોને નુકસાન પહોંચી રહ્યું છે. આ સંદર્ભે અમારી વિનંતી છે કેઃ
સિરામિક ઉત્પાદનો પર GST દર ઘટાડીને 5% કરવામાં આવે
આ પગલાંથી હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં માંગ વધશે, કરચોરીમાં ઘટાડો થશે અને કર અનુપાલન સુધરશે
MSME આધારિત સિરામિક ઉત્પાદકોને તાત્કાલિક રાહત મળશે તથા ઔપચારિકીકરણને પ્રોત્સાહન મળશે
2. નેચરલ ગેસને GST હેઠળ સમાવવાનો મુદ્દો:
નેચરલ ગેસ સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય કાચો માલ છે, પરંતુ તે હજુ GSTના દાયરાથી બહાર હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતો નથી અને કરનો ભાર વધે છે. તેથી અમારી દ્રઢ ભલામણ છે કે:
નેચરલ ગેસને GST વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવે
સિરામિક ઉત્પાદકોને ગેસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સુવિધા આપવામાં આવે
આ સુધારાથી ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વૈશ્વિક સ્તરે ભાવ સ્પર્ધાત્મકતા વધશે
3. CGCRI સમાન લેબોરેટરી, R&D તથા તાલીમ સુવિધાઓની સ્થાપનાઃ
ગુણવત્તા સુધારણા, નવીનતા અને કુશળતા વિકાસ માટે સંસ્થાગત આધાર અત્યંત આવશ્યક છે. આ માટે અમારી વિનંતી છે કે:
મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટરમાં CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) સમાન અદ્યતન ટેસ્ટિંગ, R&D અને પ્રમાણપત્ર લેબોરેટરીની સ્થાપના કરવામાં આવે
ઉદ્યોગ સાથે જોડાયેલા તાલીમ કેન્દ્રો દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ, ગુણવત્તા નિયંત્રણ, ઉત્પાદન નવીનતા તથા પ્રોસેસ
ઑપ્ટિમાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવે
MSME સિરામિક એકમોને પરીક્ષણ, પ્રમાણપત્ર અને ટેકનોલોજી સહાય સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે
4. ઊર્જા ખર્ચમાં રાહત અને ગ્રીન ટ્રાંઝિશન માટે સહાય:
સિરામિક એકમો માટે ગેસ તથા વીજળી પર રિયાયતી ઔદ્યોગિક દરો
કેપ્ટિવ સોલાર પાવર, વેસ્ટ હીટ રિકવરી અને ગ્રીન ટેકનોલોજી માટે મૂડી સહાય તથા વ્યાજ સહાય
કાર્બન ઘટાડા અને ટકાઉપણાના અનુપાલન માટે ટ્રાન્ઝીશન સહાય
5. MSME નાણાકીય રાહત અને ક્રેડિટ સહાય:
NPAમાં ઘટાડા વિના સિરામિક MSME માટે વિશેષ લોન રી-સ્ટ્રક્ચરિંગ યોજના
વર્કિંગ કેપિટલ લોન પર વ્યાજ સહાય
CGTMSE ગેરંટી મર્યાદામાં વધારો
6. નિકાસ પ્રોત્સાહન અને લોજિસ્ટિક્સ માળખું :
સિરામિક ઉત્પાદનો માટે RoDTEP હેઠળ યોગ્ય અને સ્થિર દરો
મોરબી-રાજકોટ ક્લસ્ટર માટે સમર્પિત લોજિસ્ટિક્સ પાર્ક / ICD (ડ્રાય પોર્ટ)ની સ્થાપના
રેલ તથા બંદર મારફતે થતી સિરામિક નિકાસ પર ફેટ રિબેટ
મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર માત્ર એક ઉદ્યોગ નહીં પરંતુ ભારત માટે એક વૈશ્વિક ઔદ્યોગિક સંપત્તિ છે. સિરામિક ઉત્પાદનો પર 5% GST, નેચરલ ગેસને GST હેઠળ લાવવો તથા CGCRI સમાન લેબોરેટરી અને તાલીમ કેન્દ્રોની સ્થાપના જેવા પગલાં તાત્કાલિક રાહત આપશે તેમજ લાંબા ગાળે સ્પર્ધાત્મકતા, ટકાઉ વિકાસ, રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિને સુનિશ્ચિત કરવા રજૂઆત કરી છે.