ટંકારાના લજાઈ ગામ નજીક પકડાયેલ નકલી ઓઇલ પેકિંગના ગોડાઉન અંગે ત્રણ સામે ગુનો નોંધાયો.
ગત તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ એસએમસી દ્વારા રેઇડમાં વિવિધ બ્રાન્ડના એન્જિન ઓઇલના સ્ટીકર લગાવી નકલી ઓઇલ પેકિંગ કરતું ગોડાઉન ઝડપી લેવાયું હતું.
ટંકારાના લજાઈ-હડમતીયા રોડ પર આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે ગત તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ નકલી એન્જિન ઓઇલ પેકિંગ કરતી ફેક્ટરી ઝડપીને બે આરોપીઓની ધરપકડ કરી હતી, જે બાદ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ કુલ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જે-તે સમયે ગોડાઉનમાંથી ૨૧,૪૮૮ લીટર લૂઝ એન્જિન ઓઇલ, કાર સહિત કુલ રૂ. ૨૩,૩૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ ત્રણેય આરોપીઓ સામે બીએનએસ કલમ, કોપીરાઈટ એક્ટ તથા ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના ગોડાઉનમાં રેઇડ કરી નકલી એન્જિન ઓઇલ પેકિંગ કરતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું કે, અહીં લૂઝ એન્જિન ઓઇલમાં કેસ્ટ્રોલ કંપની સહિત અન્ય બ્રાન્ડના સ્ટીકર લગાવી નકલી પેકિંગ કરી બજારમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતું હતું.રેઇડ દરમિયાન એસએમસી ટીમે આરોપી અરુણભાઈ ગણેશભાઈ કુંડારીયા, મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર બંને રહે મોરબી વાળાની ધરપકડ કરી હતી, જ્યારે વિવિધ કંપનીના સ્ટીકર બનાવનાર દિલ્હીનો આરોપી સલમાન ખાન એમ ત્રણ સામે જાણવા જોગ નોંધ કરી હતી. રેઇડ દરમિયાન ગોડાઉનમાંથી ૨૧,૪૮૮ લીટર નકલી ઓઇલ, ડબ્બા ઉપર સ્ટીકર લગાવવા માટેનું મશીન, બેરલમાંથી ઓઇલ કાઢવાની મોટર, બેલ્ટ-મશીન, વજનકાંટો, સીલ-મશીન, ઓઇલ ભરવાનું મશીન, રોકડ, બેરલ, એક કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૩,૩૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે આરોપીઓએ નામી કંપનીઓના બ્રાન્ડના સ્ટીકર લગાવી ડુપ્લિકેટ ઓઇલ પેકિંગ કરી વેચાણ કર્યું, જેનાથી કંપનીઓની પ્રતિષ્ઠાને તેમજ આર્થિક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે નકલી ઓઇલ પેકિંગ અંગે એફએસએલ રિપોર્ટ આવતા કેસ્ટ્રોલ કંપનીના જવાબદાર અધિકારી ગોવિંદન રંગનાથન કૌઉન્ડર ઉવ.૩૫ રહે.દિલ્હી ૮૮, કાલકાજી પોલીસ સ્ટેશન જી.દક્ષિણ દિલ્હીની ફરિયાદને આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં બીએનએસ કલમ તથા કોપીરાઈટ એક્ટ તેમજ ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.