મોરબીના લાલપર ગામે યુવક સહિત બે વ્યકિત પર ચાર શખ્સોનો પાઈપ વડે હુમલો
મોરબી તાલુકાના લાલપુર ગામે સંતકૃપા હોટલ નજીક યુવક પોતાની સંત કૃપા હોટલ ખાતે હોય ત્યારે આરોપીઓ યુવકની હોટલ ખાતે જઈ યુવક સાથે સમાધાનની વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ યુવક તથા તેના સાથીને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નવાપરા પ્લોટ વિસ્તારમાં રહેતા અને વેપાર કરતાં મયુરભાઈ રતિલાલભાઈ અઘારા (ઉ.વ.૩૬) એ આરોપી મહેશભાઈ ભરવાડ રહે રફાળેશ્વર મચ્છોનગર તા.મોરબી તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાની સંતકૃપા હોટેલ ખાતે હોય ત્યારે આરોપી મહેશભાઈ તથા ત્રણ અજાણ્યા શખ્સો ફરિયાદીની હોટલ ખાતે જઈ ફરિયાદી સાથે સમાધાનની વાતચીત કરતા હોય તે દરમિયાન આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગંદી ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદીને ગંદી ગાળો બોલી ઢીકા પાટુનો મૂઢમાર મારતા હોય તે દરમિયાન સાથી સત્યમ પ્રજાપતિ ફરિયાદીને છોડાવવા માટે જતા આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરિયાદી તથા સાથીને પાઇપ વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.