લૂંટ અને મોટરસાયકલ ચોરી કરનાર રીઢા ચોરને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ
ચોરી અને લૂંટના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી કાર, મોટરસાયકલ, રોકડ અને હથિયાર કબજે કર્યા
મોરબી શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ રૂપિયાની લૂંટ કરનાર અને નવાડેલા રોડ પરથી મોટરસાયકલ ચોરી કરનાર રીઢા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી રાજકોટનો રહેવાસી તેની સામે અગાઉ રાજકોટ અને અમદાવાદમાં કુલ ૧૬થી વધુ ચોરી અને લૂંટના ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી બલેનો કાર, હોન્ડા મોટરસાયકલ, છરી, માસ્ક, મોજાં, કાળી ટોપી અને રોકડ સહિતના મુદ્દામાલ કબજે કર્યા છે.
મોરબી શહેર વિસ્તારમાં તાજેતરમાં બનેલા બે ગુનાઓની તપાસ હાથ ધરી હતી. જેમાં તા. ૭/૧૦ના રોજ મોરબી નવાડેલા રોડ પરથી મોટરસાયકલ ચોરીનો બનાવ નોંધાયો હતો. જ્યારે તા. ૮/૧૦ ના રોજ આંગડિયા પેઢીના કર્મચારી સાથે મોટર સાયકલ અથડાવી સારવારના બહાને છરી બતાવી બળજબરીથી રૂ.૮૫,૦૦૦/- ની લૂંટ કરી હતી. ત્યારે આ બંન્ને ગુનાઓની તપાસ દરમ્યાન મોરબી સર્વેલન્સ ટીમે સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ આરોપી વિશે મહત્વની માહિતી મેળવી હતી. તે દરમિયાન નેત્રમ સી.સી.ટી.વી. કન્ટ્રોલરૂમ મારફતે જાણ થઈ કે મોરબી શહેરમાં માસ્ક અને મોજાં પહેરેલો શખ્સ મોટરસાયકલ સાથે ફરતો દેખાયો હતો. જેથી તાત્કાલિક કાર્યવાહી કરીને મોરબી જુના બસસ્ટેન્ડ નજીક ઘરતી ટાવર વિસ્તારની આંગડિયા પેઢી નજીકથી શંકાસ્પદ ઇસમને પકડી પાડ્યો હતો.
ત્યારે પકડાયેલ આરોપી ઇમરાનભાઈ હાસમભાઈ કાદરી ઉવ.૨૪ રહે. રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ પુનીતનગર શેરી નં. ૪ ભાડાના મકાનમાં વાળાની પુછપરછ કરતાં તેણે પોતે જ આરોપી હોવાની કબૂલાત આપી અને જણાવ્યું કે તે રાજકોટથી ભાડે બલેનો કાર રજી.નં. જીજે-૦૩-પીડી-૮૯૮૩ લઇને મોરબી ચોરી-લૂંટના ઇરાદે આવ્યો હતો. આ સાથે પોલીસે બલેનો કાર શનાળા ગામ પાસે રાજકોટ હાઇવે પરથી કબજે કરી. આગળની તપાસમાં તા. ૭/૧૦ના રોજ ચોરાયેલ હોન્ડા સીડી-૧૨૦ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૧૬૧૫ પણ કબજે કર્યું છે. હાલ તપાસ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી કાર, મોટર સાયકલ, એક ધારદાર છરી, કાળુ માસ્ક, મોજાં, કાળી ટોપી તથા રોકડ રૂ. ૫,૧૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. વધુમાં આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સિવાય આરોપી વિરુદ્ધ રાજકોટ અને અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ, હુમલો અને હથિયાર કાયદા હેઠળ કુલ ૧૬થી વધુ ગુના નોંધાયેલા છે.