મહાનગરપાલિકાએ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાના સમારકામ તથા પાણી નિકાલ માટે કમર કસી
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ અભિયાનની સાથે મોરબી જિલ્લામાં પણ વિવિધ માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વિવિધ રોડ રસ્તા ના સમારકામ તથા પાણી નિકાલ માટેની વ્યવસ્થા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકાએ શેરી નંબર સાતમાં રોડને વાહન વ્યવહાર યોગ્ય બનાવવા તથા પાણીના નિકાલ માટે રસ્તાનું લેવલિંગ કરવામાં આવ્યું છે તથા મેટલ અને કપચી પાથરી રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું છે.
ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ગટર ઉભરાવાની સમસ્યાના નિરાકરણ માટે અત્યાધુનિક રોબોટ મશીનરી સાથે યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.