માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વેણાસર ગામના લોકો દ્વારા આગાઉ પણ પીવાનું પાણી ન મળતું હોવાથી મોરબી જીલ્લા કલેકટર તથા ધારાસભ્ય અને તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા કાયમી ટાઈમસર પાણી મળતું નથી ત્યારે ફરી એક વખત જ્યારે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને તાપ પડી રહ્યો છે ત્યારે છેલ્લા આઠ દિવસથી ગામમાં પાણી નથી મળ્યું જેના લીધે લોકો તો પરેશાન છે જ પરંતુ ગામના પશુઓની પાણી ન મળતાં હાલત કફોડી બની છે.
માળીયા (મી) ના છેવાળાના રણકાંઠે આવેલા વેણાસર ગામને આઠ દિવસથી પિવાનુ પાણી મળ્યું નથી. ભર ઉનાળામાં ધોમધખતા ૪૫ ડિગ્રી તાપમાનમાં વેણાસર ગામના લોકોને એક બેડા પાણી માટે ફાફા મારવા પડી રહ્યા છે. માળીયાનાં વેણાસર ગામના લોકો આઠ દિવસથી પિવાના પાણીથી વંચિત છે. આમ જોવા જઈએ તો આ પ્રશ્ન વર્ષોથી ચાલ્યો આવે આજ સુધીમાં ધણા ધારાસભ્ય બદલાયા મંત્રી બદલાયા અને અધિકારીઓ પણ બદલાયા પણ વેણાસર ગામનો પાણીનો પ્રશ્ન તેમનો તેમજ છે આજ સુધી કોઈએ ઉકેલ્યો નથી. વેણાસર ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત ધારાસભ્ય અને કલેકટરને લેખિત તેમજ મૌખિક મૌખીક રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી તંત્રના જવાબદાર અધિકારીઓનુ પેટનું પાણી હલતું નથી. તેમજ છેલ્લા આઠ દિવસથી પિવાનુ પાણી ન મળતાં વેણાસર ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. ગામમા પશુઓની સંખ્યા પણ વધુ છે જેમને પણ પીવા માટે પાણી મળતું નથી.
ગામના સરપંચે ચક્રવાત ન્યુઝ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે માળીયાનાં વેણાસર ગામે આઠ દિવસથી પાણી ન આવતા આવતી કાલે કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકમાં ગામની ૫૦ જેટલી મહિલાઓ માંગ મુકશે અને જો આવનાર દિવસોમાં પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
