માટેલ ગામે અહી કેમ લઘુશંકા કરે છે તેમ કહી યુવક પર છરી વડે હુમલો
મોરબી: વાંકાનેર તાલુકાના માટેલ ગામે દશામાના મંદિર પાસે સાઈડમાં અહી કેમ પેશાબ કરે છે તેમ કહી યુવક ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ ગામે રહેતા લાલજીભાઇ ટીસાભાઈ સરાવાડીયા (ઉ.વ.૨૩) એ આરોપી સુરેશ સાદુરભાઈ વિંજવાડીયા તથા વિપુલ ધીરાભાઈ (રહે બંને માટેલ. તા. વાંકાનેર) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૦૯-૨૦૨૨ ના દશક વાગ્યાના અરસામાં ફરીયાદી દશામાંના મંદિર પાસે સાઇડમાં પેશાબ કરતો હતો અને આરોપીઓ ફરીયાદી પાસે આવી અહીં કેમ પેશાબ કરે છે તેમ કહી બંને આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપી વિપુલ ધીરાભાઇએ ફરીયાદીને છરી વતી ડાબા પગના સાથળમાં છરીનો એક ઘા મારેલ અને ફરીયાદીએ આરોપી વિપુલનો હાથ પકડવા જતા ફરીયાદીને જમણી સાઇડ ગળાના ભાગે છરી લાગી જતા ફરીયાદીને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે લાલજીભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.