ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી
મોરબી જિલ્લામાં સવારથી ધાબડીયુ વાતાવરણ સર્જાયુ સાઈકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતાઓ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. અને આજે સવારથી મોરબી જિલ્લામાં વાદળછાયુ ધાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.
ગઈકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. તેમજ સાયકલોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. ૩ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં ૧૨.૨ ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં ૧૯.૬ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ૧૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયકલોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર,દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ૨૮ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ૩૧ ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તે ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ૨૯ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.