મોરબીના ચકચારી નિખિલ ધામેચા હત્યા કેસમાં નવાજુનીના એંધાણ
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો, જેનું અપહરણ થઈ ત્રણ દિવસ પછી રામઘાટ પાસે બાચકામાંથી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. તેના શરીર પર છરીના અસંખ્ય ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં મોરબી શહેર પોલીસ અને બાદમાં સીઆઈડી ક્રાઈમે તપાસ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન મળતાં પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે કેસ સીબીઆઈને સોંપવાનો હુકમ આપ્યો હતો. હવે સીબીઆઈની તપાસમાં મહત્વના તાર જોડાતા પરિવારને ન્યાયની નવી આશા મળી છે. માસૂમ નિખિલ હત્યા કેસમાં દસ વર્ષથી ચાલી રહેલી ન્યાયયાત્રા હવે અંતિમ ચરણમાં પહોંચી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેરમાં ફરી એકવાર આ ચકચારી કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં સમગ્ર સૌરાષ્ટ્રને હચમચાવી મૂકનાર માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ સંભાળનાર સીબીઆઈ ટીમને તાજેતરમાં કેટલીક મજબૂત કળીઓ અને પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું અત્યંત વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પુરાવાઓના આધારે તપાસની ગતિ વધુ વેગવાન બની છે અને નજીકના દિવસોમાં હત્યારાઓ બેનકાબ થઈ શકે છે એવી ચર્ચા મોરબી શહેરમાં જોર પકડી છે.
હત્યા કેસની સંપૂર્ણ વિગતો મુજબ મોરબીના દરજી કામ કરતા એક સામાન્ય પરિવારમાં જન્મેલો ૧૪ વર્ષનો નિખિલ પરેશભાઈ ધામેચા, તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ શાળાએથી છૂટ્યા બાદ તે અચાનક લાપતા થયો હતો. તેની સાઇકલ શાળાની નજીકથી મળી આવતાં પોલીસે શરૂઆતમાં અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલા પ્રારંભિક પુરાવાઓ મુજબ શાળાનાં એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે નિખિલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હતો. સીસીટીવી ફૂટેજમાં પણ નિખિલ જેવો બાળક એક્ટિવા પર પાછળ બેસેલો દેખાયો હતો, પરંતુ ચહેરો સ્પષ્ટ ન હોવાથી ઓળખ શક્ય બની નહોતી. અપહરણના ત્રણ દિવસ પછી મોરબીના રામઘાટ નજીક કોથળામાંથી નિખિલનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર છરીના અનેક ઘા મારવામાં આવી હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસે તે સમયની તમામ સંભાવનાઓ તપાસી, પરંતુ આરોપીની ઓળખ થઈ શકી નહોતી. તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસથી લઈ સીઆઈડી ક્રાઈમ સુધી પહોંચી હતી, છતાં કોઈ નવો તાર મળી ન શક્યો.
જે બાદ મૃતક નિખિલના પરિવારજનોએ ન્યાય માટે સતત પ્રયત્નો કર્યા હતા, આખરે વર્ષ ૨૦૨૪માં નિખિલના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી હતી. તે અરજી પર સુનાવણી બાદ તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ હાઇકોર્ટ દ્વારા તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી સીબીઆઈની વિશેષ ટીમે કેસની ફાઇલો, અગાઉની તપાસની નોંધો અને ટેકનિકલ પુરાવાઓનું પુનઃ વિશ્લેષણ શરૂ કર્યું હતું. નિખિલ ધામેચાના પિતા દ્વારા અગાઉ મોરબી સ્વામિનારાયણ મંદિરના સ્વામી ઉપર હત્યા કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, નિખિલના પિતા દ્વારા લગાવવામાં આવેલ તમામ આરોપોની દિશામાં પણ સીબીઆઈ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ મજબૂત પુરાવા અને સાક્ષીઓ મેળવેલ છે.
હાલ મળતી માહિતી મુજબ સીબીઆઈને કેટલાક મજબૂત પુરાવા, તથા કેટલાક શંકાસ્પદ લોકોના નિવેદનો પરથી મહત્વપૂર્ણ તાર જોડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તારના આધારે હત્યારાઓની ઓળખ નિકટના ભવિષ્યમાં જાહેર થઈ શકે છે. મોરબીમાં વર્ષોથી હત્યાના અનડીટેક્ટ કેસમાં હવે નવી આશાનો કિરણ દેખાયો છે. સીબીઆઈની તપાસ અને નવા પુરાવાઓના આધારે, માસૂમ નિખિલ ધામેચાના હત્યારાઓ બેનકાબ થવા હવે માત્ર થોડો સમય છે તેવુ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.