મોરબી બગથળા નજીક ફેક્ટરીમા બ્લાસ્ટ થતા દાઝી ગયેલ આધેડનું મોત; કુલ મૃત્યુઆંક ત્રણ
મોરબીના બગથળા ગામ નજીક ગત તા. ૧૨ ના રોજ ફેકટરીમાં બોઈલર રીપેરીંગ કરતી વેળાએ ઓઈલ ટાંકી ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી અને આગ ફાટી નીકળતા સ્થળ પર કામ કરી રહેલ પાર્ટનર સહિતના ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા પાર્ટનર સહિતના બેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા તો એક સુપરવાઈઝરને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જેનું ૧૪ દિવસની સારવાર બાદ મોત થયું હતું.
બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટીક નામના કારખાનામાં તા. ૧૨ ડીસેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યાના અરસામાં આગ લાગી હતી સાંજે બોઈલર રીપેરીંગ કામગીરી કરાતી હોય ત્યારે ઓઈલ ટાંકી ગરમ થતા ફાટી હતી જે બનાવને પગલે કારખાનામાં હાજર પાર્ટનર અને ટેકનીશીયન વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.૪૦) રહે આલાપ રોડ પટેલનગર મોરબી તેમજ હિતેશભાઈ મનસુખભાઈ ડેડકીયા (ઉ.વ.૩૭) એમ બે વ્યક્તિના કરુણ મોત થયા હતા.
તો ફેકટરીના સુપરવાઈઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.૫૦) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ૧૪ દિવસની સારવાર બાદ આજે નીતિનભાઈ ધામેચાનું મોત થયું હતું જે બનાવમાં અગાઉ બે બાદ વધુ એક વ્યક્તિનું મોત થતા કુલ મૃત્યુ આંક ૦૩ થયો છે બનાવની વધુ તપાસ તાલુકા પોલીસના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.