મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદને સિરામિક એસો.એ ગણાવી તથ્યવિહીન
મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકોને ગોંધી રાખવામાં આવતા હોવાના સમાચાર પ્રસારિત થયા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવતાં જાણવા મળેલ હતું કે આ ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન છે.
હકીકતમાં, કોન્ટ્રાક્ટર કોઈ કારણસર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસના પગારના ચૂકવણીમાં વિલંબ થયો હોવાનું તપાસમાં જણાયું હતું. તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી.
ઉલ્લેખનીય છે કે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. આ જ કારણસર મોરબીનો સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત છે.
જ્યારે કે અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે.