મોરબી સિવિલ હોસ્પિટલમાં સીટી-સ્કેન મશીન ઘણા સમયથી બંધ, અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતા જેમનું તેમ
મોરબી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન છેલ્લા દોઢ થી બે વર્ષથી શોભાના ગાંઠીયા સમાન બંધ હાલતમાં છે. બંધ સીટી-સ્કેન બાબતે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રને, આરોગ્ય મંત્રીને, ધારાસભ્યને તેમજ આ સાથે જોડાયેલ તમામ લેવલ સુધી અનેક રજૂઆતો કરી પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી કે કોઈ આગળ આવ્યું નથી. જેના પરિણામ સ્વરૂપે સિવિલમાં આવતા દર્દીઓને ગાંઠના પૈસે બહાર સીટી સ્કેન કરાવવું જવું પડતું હોય છે.
આ માટે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે તથા જગદીશભાઈ બામણીયા દ્વારા જણાવાયું હતું કે મોરબી સીરામીક સીટી તરીકે ઓળખાય છે ત્યારે સીરામીક કારખાનામાં કામ કરતા મજૂરો, ગરીબ માણસોને સીટી સ્કેન માટે આવવું પડતું હોય ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી સીટી સ્કેન બંધ હાલતમાં હોય જે બાબતે સિવિલ હોસ્પિટલ અધિક્ષકને અનેક વખત રજૂઆત કરી છે તેમજ મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાને પણ આ બાબતે રજૂઆત કરી હતી તથા આરોગ્યમંત્રીને પણ રજૂઆત કરી છે પરંતુ નિંભર તંત્ર દ્વારા સીટી સ્કેન મશીન રિપેરિંગ કરવા કોઈ આવશ્યક પગલાં લેવામાં આવ્યા નથી. અંતે હાલાકી દર્દીઓને ભાગે આવે છે, સિવિલ હોસ્પિટલમાં આવેલ દર્દીઓને સીટી સ્કેન કરવાની જરૂરિયાત જણાય તો તંત્ર દ્વારા મોરબીની ખાનગી હોસ્પિટલની પર્ચી બનાવી આપવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નવું સીટી સ્કેન મશીનને મંજૂરી મળી ગયી હોવા છતાં તંત્રની બેદરકારીને હિસાબે કે પછી અન્ય કોઈ વહીવટના હિસાબે કેમ નવું સીટી સ્કેન મશીન મુકવામાં નથી આવતું એ સવાલના જવાબમાં તંત્ર દ્વારા માત્રને માત્ર આશ્વાશન અને બહાના સિવાય કશું મળતું નથી. ત્યારે હવે ક્યારે મોરબી સિવિલમાં નવું સીટી સ્કેન મશીન આવે તે આવનારા સમયમાં જોવું રહ્યું.
