મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા સહિતના રોગો બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા નિવારણ માટે થયેલી કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લામાં પાણી/ખોરાકજન્ય રોગચાળાની સ્થિતિ, ક્લોરિનેશનની કામગીરી, મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ, ટાઈફોડ તથા કોલેરા જેવી બીમારીઓ અન્વયે મોરબી જિલ્લાની સ્થિતિ તથા તેની અટકાયત બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દવા છંટકાવ, પાણી લીકેજ/ક્લોરિનેશનનું યોગ્ય મોનિટરિંગ કરવા તથા ક્લોરીનટેસ્ટ અને બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. હાલની પરિસ્થિતિએ લોકમેળા તથા અન્ય જાહેર સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ સેફટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ બાબતે જિલ્લામાં તઘન તપાસ અને સર્વ લેન્સની કામગીરી કરવા સુચના આપી મેલેરિયા ડેન્ગ્યુના કેસ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. હોટલ, નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું રહેતું હોવાથી જો મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના હોય તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સંબંધિતને નોટિસ આપવા પણ જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રાવસ્તવ, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, ચીફ ઓફિસરઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.