મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી
૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબીના ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
મોરબી: લોકસભાની ચૂંટણી અન્વયે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે બેઠક યોજી ચૂંટણી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીની વિધિવત તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર મતવિસ્તાર બાબતે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષીએ મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. પ્રભવ જોષીએ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે ચૂંટણી બાબતે કરવામાં આવેલી તૈયારીઓ, વિવિધ કામગીરી, નોડલ અધિકારીઓ અને મતદાન મથકો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન આપી વિવિધ સુચનો કર્યા હતા.
આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, રાજકોટ અધિક ચૂંટણી અધિકારી એન.કે. મુછાર, મોરબી નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા અને એસ.એચ. સારડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.