મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક યોજાઈ
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્વાગત પોર્ટલ, લોક ફરિયાદ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓની પર ચર્ચા વિચારણા કરી પેન્ડિંગ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી તથા જિલ્લા સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લાના પદાધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને જમીન માપણી, શાળાઓમાં શિક્ષકોની ઘટ, વન વિભાગની જમીન સંબંધિત પ્રશ્નો, પાણી અને રોડ રસ્તા તથા ભારે વાહનોના પાર્કિંગ માટે જગ્યાઓ ફાળવવા સહિતના રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સમીક્ષા કરી આ પ્રશ્નોના નિરાકરણ માટે ઝડપી અને યોગ્ય કામગીરી કરવા કલેક્ટરએ સબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી. હાલમાં ચોમાસાની ઋતુને પગલે ક્લોરીનેશન, સાફ-સફાઈ અને રોડ-રસ્તાના સમારકામની કામગીરી યુધ્ધના ધોરણે કરવા સુચના આપવામાં આવી હતી. વધુમાં ક્લેક્ટરએ રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તા જાળવવા માટે તાકીદ કરી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી દ્વારા જિલ્લામાં સઘન વૃક્ષારોપણ, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા દ્વારા વિવિધ એન્ટ્રન્સ પરીક્ષાઓ અને મોરબી તથા લીડ બેંક મેનેજર સાકિર છીપા દ્વારા નાણાકીય સમાવેશ અને યોજનાકીય કામગીરી વિશે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, , પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ અને જિલ્લા વહીવટ તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.