મોરબીમાં ‘ખેલે ભી ખીલે ભી’ ની થીમ સાથે અંદાજિત 7 કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ
મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ – સ્વાગત ચોકડી – ઉમિયા સર્કલ – શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુ, નવા બસ સ્ટેશન સુધીના રૂટ પર અંદાજિત ૭ કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ હતી. આ સાયકલ રેલીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી અને ત્યારબાદ તેઓ પણ આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા.
હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી અન્વયે સમગ્ર રાજ્ય અને દેશમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ ૨૯ ઓગસ્ટથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે મોરબીના લોકોમાં તંદુરસ્તી બાબતે જાગૃતિ ફેલાવવા તથા મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જિલ્લા રમત ગમત કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે સાયકલ રેલી યાજી લોકોને સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે શપથ પણ લીધા હતા.
આ રેલીમાં હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, જિલ્લા રમત ગમત અધિકારી રવિભાઈ રાઠોડ, અગ્રણી જયંતીભાઈ રાજકોટીયા, પોલીસના જવાનો, DLSS ના રમતવીરો તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને જાગૃત નગરજનો બહોળી સંખ્યામાં આ સાયકલ રેલીમાં સહભાગી બન્યા હતા.