મોરબી-માળિયા તાલુકાના ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરો: જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ
મોરબી: મોરબી-માળિયા તાલુકામાં સતત પડેલ વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેમ હોવાથી વિશેષ પેકેજ જાહેર કરવા માટે મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસાની સીઝનમાં સમગ્ર ગુજરતમાં સારો વરસાદ થયેલ છે તેજ રીતે મોરબી જીલ્લામાં પણ સારો વરસાદ થયેલ પરંતુ મોરબી જીલ્લાના મોરબી અને માળીયા(મી) તાલુકામાં એક સાથે નહિ પરંતુ સતત પડેલ વરસાદના કારણે વાવણી નિષ્ફળ જવાની તેમજ વાવણી પછીના ખેડકાર્યો જેવાકે નિંદામણ, આંતરખેડ, વગેરે સમયસર ન થઇ શકેલ હોય પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવાની સંભાવાના છે.મોરબી અને માળીયા(મી) તાલુકામાં બિન પીયત વિસ્તાર હોવાના કારણે વરસાદ આધારીત ખેતી મોટા પાયે કરવામાં આવે છે. જેથી મોરબી અને માળીયા (મી.) તાલુકામાં ખેડૂત હિતમાં ખાસ કિસ્સામાં રાહત પેકેજ જાહેર કરવા માટે જાનકીબેન કૈલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે.