મોરબીવાસી આનંદો, મોરબીને મળ્યો એફએમનો ઠરાવ…પણ અમલની રાહ
સરકાર તરફથી મંજૂરી છતાં પણ તંત્રની ઢીલાશથી મોરબીની પ્રજા એફએમ સુવિધાથી વંચિત, રાજકોટમાં ધૂળ ખાતી મશીનરી, સુસ્ત તંત્ર સામે જનમાનસમાં રોષ.
મોરબી શહેરને એફએમ રેડિયો માટે જરૂરી તમામ મંજૂરી મળી ચુકી છે અને મશીનરી, ટાવર સહિતનો સામાન પણ રાજકોટ સ્ટેશન ખાતે આવી ગયો છે. છતાં સ્થળ ફાળવણી અને સંકલનના અભાવે કાર્યરત નથી. આમ તંત્રની ઢીલાશ મોરબીની જનતાને માહિતી, મનોરંજન અને આપત્તિ સમયની અસરકારક પ્હોંચથી વંચિત રાખી રહી છે.
મોરબી માટે ઘણી વખતથી માંગણી ચાલી રહી હતી કે શહેરને પોતાનું એફએમ રેડિયો ચેનલ મળે. આ બાબતે રાજ્ય સરકાર તરફથી પ્રયાસો બાદ છેલ્લા વર્ષમાં મોરબી માટે એફએમ રેડિયો પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ, ટાવર, એન્ટેના, સ્ટુડિયો સેટઅપ અને તકનીકી સાધનો સહિતનો જરૂરી તમામ સામાન રાજકોટ સ્ટેશન ખાતે આવી ગયો છે. ત્યાંથી મોરબીમાં સ્થળ ફાળવણી થાય એટલે ટ્રાન્સફર થવાનું હતું, પણ સ્થાનિક તંત્ર અને સંકળાયેલા અધિકારીઓના બેદરકાર વલણને કારણે તે સાધનો હજુ પણ ધૂળ ખાઈ રહ્યાં છે. અને કાર્ય માટે કોઈ સમયરેખા નક્કી કરાઈ નથી.
જનતાને માહિતીપ્રદ કાર્યક્રમો, લોકલ ન્યુઝ, આગાહી, જાહેર સુચનાઓ, અને પ્રજાને જોડતી પ્રસારણ સુવિધાઓ આપતા એફએમ રેડિયો માટે જરૂરી તમામ પગલાં સરળતાથી ભરાઈ શકે તેમ છે- ત્યારે હજુ પણ કામ શરુ ન થવું, સ્પષ્ટ કરે છે કે તંત્ર જાગતું નથી. મોરબીની પ્રજામાં ચર્ચા છે કે, “સરકાર તો તૈયાર છે…પણ તંત્ર સૂતું છે” આશા છે કે તાત્કાલિક આધારે તંત્ર જાગશે અને મોરબી માટેનો એફએમ રેડિયો પ્રોજેક્ટ મૂળ સ્વરૂપે કાર્યરત થશે.