મોરબીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
મોરબીમાં ૧૨ ઓગસ્ટે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
મોરબી જિલ્લામાં લોકોમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવા ૧૫ ઓગસ્ટ સુધી યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાની સમિતિના અધિકારીઓને વિવિધ કામગીરી બાબતે સૂચના આપવામાં આવી હતી.
આઝાદીના ૭૯ માં વર્ષના ભાગરૂપે પ્રજાના હૃદયમાં દેશભક્તિની લાગણી ઉત્પ્રેરિત કરવા તથા તિરંગા વિશે જાગૃતિ ફેલાવી તેની સાથે વ્યક્તિગત જોડાણ કરવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે મોરબીમાં પણ વિવિધ કાર્યક્રમોનું યોજાઈ રહ્યા છે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઇવ તથા જિલ્લાની શાળાઓ તથા કોલેજમાં દેશભક્તિની થીમ પર વિવિધ સ્પર્ધાઓ સહિતના યોજાઈ રહેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી ૧૨ ઓગસ્ટના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવનાર છે જે બાબતે પૂર્વ તૈયારીઓ કરવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
દેશ ભક્તિના આ અનેકવિધ કાર્યક્રમોમાં જિલ્લાના વિવિધ એસોસિએશન, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, શાળા/કોલેજ સહિત સમગ્ર જિલ્લો સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષકુમાર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીો ઉપસ્થિત રહ્યા હતા.