મોરબીમાં શિક્ષકોને જાતિય સંવેદનશીલતા અંગે તાલીમ અપાઈ
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા BRC ભવન મોરબી ખાતે શિક્ષકો માટે જાતિય સંવેદનશીલતા (Gender Sensitization) અને લિંગાનુપાત અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જાતિય સંવેદનશીલતાના વિવિધ પાસાઓ જેમ કે, જાતિ આધારિત ભેદભાવ, શૈક્ષણિક ક્ષેત્રે છોકરીઓની ભાગીદારી, સલામત અને સમાનતાભર્યું શાળા વાતાવરણ નિર્માણ, તેમજ શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકોને માત્ર જ્ઞાન આપનાર જ નહીં પરંતુ સમાજ ઘડતરનાં નિર્માતા ગણાવી જાતિય સંવેદનશીલતા અંગે શિક્ષણ અને આવતી પેઢીને સમાનતા અને માનવ અધિકારો અંગે સકારાત્મક સંદેશ આપવા જણાવવામાં આવ્યું હતું.
આ તાલીમમાં મોરબી સીટી તથા તાલુકાના વિવિધ શાળાઓના શિક્ષકઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતમાં તમામ શિક્ષકોએ શાળાઓમાં જાતિય સંવેદનશીલતા અને લિંગાનુપાત અંગે જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો હતો તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવ્યું છે.