મોરબીમાં સભાસદ કેમ્પ અંતર્ગત સહકારી મંડળીઓમાં નવા 500 સભાસદો જોડાયા
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકારથી સમૃધ્ધી’ સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે એપ્રિલ માસમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના સભાસદની સંખ્યામાં વધારો થાય અને જન સામાન્ય મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડાય તેમજ જિલ્લાના દરેક લોકોને આર્થિક સેવાઓનો લાભ મળે તે માટે મોરબી જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા દરેક તાલુકામાં ગ્રામ પંચાયત/મંડળીના મકાન કક્ષાએ સભાસદ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
સભાસદ કેમ્પ અંતર્ગત જુના દેવળીયા, ઈશનપુર, મેસરીયા, મહિકા, બગથળા, બીલીયા, ભાવપર અને મોટાભેલા ખાતે ૫૦૦ થી વધુ નવા સભાસદો પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ સાથે જોડાયા હતા. સહકારી પ્રવૃતિનો મોરબી જિલ્લામાં વ્યાપ વધારવા અને લોકોને મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડવા માટે જિલ્લા સહકારી બેન્ક અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા વ્યાપક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.