વિપશ્યના સાધક સમિતિ-મોરબી આયોજિત તથા રાજકોટ વિપશ્યના કેન્દ્ર ધમકોટના ઉપક્રમે તારીખ ૨૨/૧૨/૨૦૨૪ના રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ ડોલ્સ એન્ડ ડ્યુડસ સ્કૂલ રત્નકલા એક્સપોર્ટ બીજો માળ, સ્કાયમોલની બાજુમાં, શનાળા રોડ-મોરબી ખાતે મોરબીમાં વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ આયોજન કરેલ છે.
આ કાર્યક્રમમાં વિપશ્યના સાધના શું છે? તેની થીયોરેટીકલ સમજ આપવા માટે સૌરાષ્ટ્ર વિપશ્યના આચાર્ય રાજેશભાઈ મહેતા રાજકોટ કેન્દ્રથી પધારશે. આ કાર્યક્રમમાં વિપશ્યના સાધનાનું પહેલું ચરણ આનાપાન ધ્યાન પ્રશિક્ષણ આપવામાં આવશે.
વિપશ્યના ધ્યાન થકી દૈનિક જીવનમાં અઢળક લાભો પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે ક્રોધ,ભય, ચિંતા,વ્યસન, વ્યાકુળતામાંથી ક્રમશ: મુક્તિ મળે છે. માનસિક તણાવ,બેચેનીથી મુક્તિ મળે છે. મનની વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થાય છે. વર્તમાન પ્રત્યે જાગૃતિ આવે છે. મન પર નિયંત્રણ લાવી શકાય છે. ચરિત્ર નિર્માણ કરી શકાય છે. આત્મ મંગલની સાથે સર્વ મંગલ થાય છે.
વિપશ્યના સાધના ભારતની અત્યંત પુરાતન સાધના વિધિ છે. તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને બિનસાંપ્રદાયિક સાધના છે. તે શું છે અને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ માટે પરિચય કાર્યક્રમનું આ આયોજન છે. ૧૮ વર્ષથી ઉપરના સ્ત્રી, પુરુષ સહ પરિવાર આમંત્રિત અને આવકાર્ય છે. તો આપણાં મોરબી શહેરમાં આયોજિત આ ધર્મના કાર્યક્રમમાં પધારી પોતાનું અને અન્યનું કલ્યાણ કરીએ સૌનું ભલું થાઓ.

