મોરબીમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘બેટી બચાવો – બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરાઈ
મોરબીમાં એમ.એસ. દોશી હાઈસ્કુલ ખાતે આજે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘બેટી બચાવો – બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દીકરીઓના હિત અને સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું.
દીકરીઓના અધિકારો, શિક્ષણ અને સશક્તિકરણ, મહિલા કલ્યાણ અને સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, કિશોરીઓને પોક્સો એક્ટ તથા ગુડ ટચ,બેડ, PC-PNDT કાયદા, માસિક ધર્મ(મેનસ્ટ્ર્યુઅલ હાઈજિન) વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સ્ત્રીઓમાં માનસિક અને શારીરિક જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત પાંચ લાભાર્થી દીકરીઓને મંજૂરીના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં જન્મેલી બાળાઓને ‘દીકરી વધામણા કીટ’ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર તમામ કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવી શકાય તે માટે “મેનસ્ટ્ર્યુઅલ હાઈજિન કીટ” વિતરણ કરી આરોગ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટ ઉમંગ પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા જિલ્લા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ, એમ.એસ. દોશી વિધાલયના પ્રિન્સિપાલ બી.ડી.ગોપાણી, શિક્ષકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.