મોરબીના સરવડ ખાતે રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, સરવડ ખાતે જાતીય અને પ્રજનન આરોગ્ય તથા રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિશોર તથા કિશોરીઓને જાતીય તથા પ્રજનન આરોગ્ય સંબંધિત મૂળભૂત માહિતી, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, માનસિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓને માસિક સ્ત્રાવ અંગેની સમજણ આપી કિશોરાવસ્થા દરમિયાન આવતા શારીરિક, માનસિક તથા સામાજિક પરિવર્તનો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરોને વિવિધ આરોગ્ય સેવાઓ, સલાહ સેવા તથા સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા, નશા મુક્તિ તથા લિંગ સમાનતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તથા કાર્યક્રમના અંતમાં વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.