મોરબીની બુનિયાદી કન્યા શાળાના નિવૃત શિક્ષકે આર.ઓ. અર્પણ કર્યું
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન, પાલન કરે છે, બાળકોની ખુબજ કાળજી રાખે છે, વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાત પૂરી કરે છે, તેમજ નિવૃત્તિ બાદ પણ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે, એ માટે કંઈકને કંઈક વસ્તુઓ ભેટરૂપે અર્પણ કરતા હોય છે. એ રીતે મોરબીની બુનિયાદી કન્યા શાળામાં ફરજ બજાવી નિવૃત થયેલ ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢિયાએ પોતાની વય નિવૃત્તિ પ્રસંગે શાળાની 300 જેટલી બાળાઓને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે એ માટે આર.ઓ. સિસ્ટમ ભેટ આપી શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યેની પોતાની લાગણી પ્રકટ કરેલ છે. ગોવિંદભાઇની આ દાનવીરતા બદલ શાળાના ઈન્ચાર્જ આચાર્ય કિરીટભાઈ બોપલીયાનું શાળા વતી આભાર પ્રકટ કર્યો હતો.