રાજકોટ – મોરબી – સુરેન્દ્રનગર જીલ્લાના મંદિરોમાં લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ
ટંકારા નજીક ખોડિયાર માતાજીનાં મંદિરમાં પણ ટોળકીએ લૂંટ ચલાવી હોવાની આપી કબૂલાત
રાજકોટ – મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના ત્રણ સભ્યોને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડયા છે જેમાં આરોપીઓએ ટંકારા નજીક ખોડિયાર માતાજીનાં મંદિરમાં પણ લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી હતી.
મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનામાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદિરમાં લૂંટના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા હતા. જેમા રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમા મહંતને હથીયાર બતાવી લૂંટ કરી હતી. જ્યારે બીજો બનાવ ગત તા ૩૦/૦૭/૨૦૨૫ના રોજ ટંકારા પાસે ખોડીયાર માતાજીના મંદીરના સાધ્વીને ધમકી આપી લુંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. લૂંટની ત્રીજી ઘટના કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામ નજીક રોકડીયા હનુમાન મંદીર ખાતે લુંટનો બનાવ બન્યો હતો. અને લૂંટની ચોથી ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં બની હતી.
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મંદિરમાં લૂંટની ત્રણ ઘટનામાં એક જ ટોળકીની સંડોવણી હોય અને ત્રણેય જીલ્લાની પોલીસ આ ટોળકીને પકડવા કામે લાગી હતી જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી. એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી તેમજ રાજકોટ શહેર વિસ્તારના ઘણા બધા સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા આ લૂંટમાં રાજકોટની ટોળકીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીની રાજકોટના શિવધારા સોસાયટી-૧, હુડકો ચોકડી પાસે રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી, તથા કોઠારીયા રોડ, શિવમ પાર્કમાં રહેતા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી તેમજ આશાપુરા શેરી નં. ૨, કોઠારીયા મેઇન રોડ ઉપર રહેતા રોનક રાજેશભાઈ ગીરજાશંકર ભટ્ટની ધરપકડ કરી હતી. ત્રણેયની પુછપરછમાં હુડકો ચોકડી પાસે રહેતા સંજપ – મુકેશ જીણાભાઈ સોલંકી, પુનીતના ટાંકા પાસે રહેતા દિલીપ ઉર્ફે સરખડીયો મનસુખભાઈ પરમાર અને દિલીપ ઉર્ફે સરખડીયાના મીત્ર પણ લૂંટ માં સામેલ છે. તેની શોધખોળ શરૂ કરી છે. આ ત્રિપુટી પાસેથી લૂંટમાં ગયેલ રોકડ દાગીના તેમજ મહંતના લાયન્સ વાળુ હથીયાર કબ્જે કર્યું હતું.
તેમજ આ ટોળકીની પુછપરછ કરતા તેમણે ટંકારા નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિરના સાધ્વીને ધમકી આપી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી.