શ્રી નાની વાવડી કુમાર શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય કાર્યક્રમ યોજાયો
શ્રી નાની વાવડી કુમાર શાળા અને શ્રી નાની વાવડી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે આંતરિક બદલી માં માંગણીથી નાની વાવડી કુમાર શાળામાંથી શ્રી નાગલપર પ્રાથમિક શાળામાં બદલી થતાં શિક્ષક વિનોદભાઈ મકવાણાનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું . આ પ્રસંગે ગામના વડીલ અને શાળા ના સેવક એવા પોપટ બાપા , કન્યા શાળા ના આચાર્ય સાગરભાઈ મહેતા અને કુમાર શાળા ના આચાર્ય લાલિતભાઈ ઘેટિયા ,નાની વાવડી CRC દુષ્યંતભાઈ મારવણીયા , વાવડી માધ્યમિક શાળા ના શિક્ષક પ્રદીપભાઈ જોષી અને કુમાર શાળા ના SMC અધ્યક્ષ અને નાની વાવડી કુમાર શાળા અને કન્યા શાળા ના શિક્ષક સહ પરિવાર આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કુમાર શાળા શિક્ષક ઘનશ્યામભાઈ પટેલ સાહેબ દ્વારા વિનોદ ભાઈ મકવાણા સાહેબ ના જીવન સફર અને કાર્યો વિશે માહિતી આપી હતી… અને કન્યા શાળા ના શિક્ષક બળદેવભાઈ વિલપરા દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું.
શાળાએ માત્ર ભણવાનું સ્થાન નથી, પરંતુ સંસ્કાર, સંવેદના અને માનવતાનું ઘડતર થતું મંદિર છે. આવા જ મંદિરના એક સમર્પિત પુજારી તરીકે વર્ષો સુધી પોતાની નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પ્રકૃતિ પ્રેમી, પશુ પ્રેમી, સામાજિક કાર્યોમાં સક્રિય અને બાળકોના સાચા મિત્ર એવા માનનીય શિક્ષક વિનોદભાઈ મકવાણા આજે બદલી સાથે વિદાય લઈ રહ્યા છે.તેઓ માત્ર પાઠ્યક્રમ પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, વૃક્ષારોપણ, પશુઓ પ્રત્યે કરુણા અને સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવ મૂલ્યોનું સિંચન કર્યું છે. બાળકોને તેઓ હંમેશા પોતાના સંતાન સમાન માની, પ્રેમ, સમજણ અને માર્ગદર્શન આપતા રહ્યા છે. વિવિધ સામાજિક કાર્યક્રમોમાં તેમની સક્રિય ભાગીદારી અને સેવાભાવના કારણે સમાજમાં પણ તેઓ વિશેષ આદર અને માન પામ્યા છે. શાળાનું વાતાવરણ હરિયાળું, સંવેદનશીલ અને આનંદમય બનાવવામાં તેમનો ફાળો અનમોલ રહ્યો છે.
આ વિદાય ક્ષણે સમગ્ર શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, સહકર્મીઓ તથા ગ્રામજનો તરફથી તેમને હાર્દિક આભાર સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તેઓ સ્વસ્થ, સક્રિય અને સમાજહિતના કાર્યોમાં સતત આગળ વધતા રહે તેવી શુભકામનાઓ સાથે એક પ્રેરણાદાયક શિક્ષકને ભાવભીની વિદાય આપવામાં આવી.