આગામી 02 નવેમ્બરે છતીસગઢમાં પત્રકારોનો મહાકુંભ યોજાશે
પત્રકાર સુરક્ષા કાનૂનની લડતને દેશવ્યાપી બનાવવા માટે બિલાસપુર થી શંખનાદ
દેશના સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નો નગારે ઘા : દેશના 20 થી વધુ રાજ્યોના પત્રકારો આ મહાસંમેલન માં ઉપસ્થિત રહેશે
ગુજરાતથી રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા ની આગેવાનીમાં પત્રકારો શુક્રવારે બિલાસપુર જવા રવાના થશે
રાજકોટ : પત્રકારોના સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા નક્સલવાદ પ્રભાવિત અને દેશના પત્રકારો માટેના સૌથી વધુ જોખમી રાજ્ય તરીકે પ્રચલિત થયેલ છતીસગઢ થી પત્રકાર સુરક્ષા કાનૂનની દેશવ્યાપી લડતનો બુંગીયો ફૂંકવામાં આવશે.
આગામી 2, નવેમ્બર ને રવિવાર ના રોજ છતીસગઢ ની ન્યાયધાની એવા બિલાસપુર શહેરમાં પત્રકાર મહા કુંભ નુ અદકેરું આયોજન કરવામાં આવ્યું છે જે માટે છેલ્લા બે મહિનાથી છતીસગઢમાં પત્રકાર આલમ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ પત્રકાર મહા કુંભ ની જાહેરાત માટે સમગ્ર રાજ્યમાં મોટા શહેરો અને હાઈ વે પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ પત્રકાર મહા કુંભ ને લઈને સમગ્ર દેશના પત્રકારો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છતીસગઢ ABPSS નાં પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાકેશપ્રતાપ સિંહ પરિહાર, રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મહફૂઝ ખાન, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીતિન સિન્હા સહિતના પદાધિકારીઓ આ આયોજન ને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
આગામી 2 નવેમ્બરે દેશના 20 થી વધુ રાજ્યો માંથી સેંકડો ની સંખ્યા માં પત્રકાર પ્રતિનિધિઓ બિલાસપુર પહોંચી રહ્યા છે. આ પત્રકાર મહા કુંભ માં હાજરી આપવા માટે ગુજરાત થી રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા ની આગેવાનીમાં પ્રદેશ અધ્યક્ષ મયુરદાન ગઢવી સહિતના પત્રકારો નું પ્રતિનિધિ મંડળ શુક્રવારે બિલાસપુર જવા રવાના થશે. આ પત્રકાર મહા કુંભ માં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડતને દેશવ્યાપી બનાવવા માટે અને પત્રકારો ની સામાજિક – આર્થિક અને શારીરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાં રાષ્ટ્રવ્યાપી અભિયાન ની જાહેરાત કરવામાં આવશે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની વેબસાઇટ પણ આ કાર્યક્રમ માં લોન્ચ કરવામાં આવશે જેના માધ્યમથી સમગ્ર દેશના 1 લાખ જેટલા પત્રકારોને જોડવા માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાશે.