મોરબીના ઉદ્યોગકારો સાથે ઠગાઈ કરી તો હવે ખેર નથી: ગૃહમંત્રી
છેલ્લા ઘણા વર્ષો થી સીરામીક એકમ ના માલિકો સાથે એનકેન રીતે નાણાકીય ઠગાઈ થતી હતી ગુજરાત બહાર સીરામીક પ્રોડક્ટ નું વેચાણ કરવામાં આવે ત્યારે પેમેન્ટ ન આપવું અથવા મોરબી આવીને માલ લઈને પેમેન્ટ ન કરવું તેમજ રો- મટિરિયલ ના નામે ઠગાઈ થવાના કિસ્સા માં વધારો થતાં પોલીસ મથકમાં ફરિયાદો નો ઢગલો થઈ ગયો હતો ત્યારે આજરોજ સીરામીક એસોસિએશન સાથે ગૃહમંત્રી ની બેઠક યોજાઇ હતી અને નવું પોલિસ મથક આપવાની વાત થઈ હતી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સીરામીક ઉદ્યોગના બહાર ફસાયેલા નાણાં પરત મેળવવા મામલે અગત્યની બેઠક કરી હતી. જેમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મોરબીનો સીરામીક ઉદ્યોગ આપબળે મહેનત કરીને વિશ્વ સ્તરે અંકિત થયો હોય અને એની મહેનતની કમાણી બીજા ચિટર વેપારીઓ ઓળવી જાય એ સરકાર કોઈ કાળે સાંખી નહિ લે અને ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે સીટની રચના કરીને રાત દિવસ મહેનત કરીને વેપારમાં ભાવ ઉંચા નીચા થતા હોવા છતાં હજારો લોકોને રોજી આપી તેમજ લોનના હપ્તા ભરી ભરી હાઇપર ટેનશનનો ભોગ બનનાર ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી નહિ થવા દવ તેવી બાંહેધરી આપુ છું.

સીરામીક ઉદ્યોગકારો સાથે મીટીંગ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો તેમજ સીરામીક એસોશીએશના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા સહિતના ઉદ્યોગકારોની ખાસ સીરામીક ઉધોગના વેપારને સુરક્ષા પ્રદાન કરવાની રજુઆતને ગુજરાત સરકારે ગંભીર નોંધ લીધી છે. જેમાં સીરામીક ઉદ્યોગકારોના બહાર રાજ્યોમાં વેપાર માટે 10 હજાર કરોડથી વધુ નાણાં ફસાયા છે. આ માટે ખાસ સીટની રચના કરીને મોરબીમાં અલગ પોલીસ સ્ટેશન બનાવાયું છે. જેમાં ઉદ્યોગકારો પોતાની સાથે થયેલી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી શકે છે.

વધુમાં બહાર રાજ્યનો વેપારી મોરબીની કોઈ સીરામીક ફેક્ટરીમાં જઈને વિશ્વાસ આપીને લાખો કરોડોનો માલ લઈ જઈ અને બાદમાં તેના રાજ્યમાં જઈને સીરામીક ઉદ્યોગકારો સાથે વિશ્વાસઘાત કરે છે. આ બહાર રાજ્યનો વેપારી માલ લઈને નાણાં પરત આપવામાં દગો કરે છે ત્યારે સીરામીક ઉદ્યોગકારો એની પાસેથી નાણા પરત મેળવવા ફોન ઉપર ફોન કરે છે. પણ કઈ સરખો જવાબ મળતો નથી. ત્યારે સીરામીક ઉદ્યોગકારો એના રાજ્યમાં નાણાં મેળવવા જાય તો નાણાં પરત મેળવવાનું બાજુએ રહ્યું ઉલ્ટાનું સીરામીક ઉદ્યોગકારો પર તે રાજ્યમાં ખોટા કેસ કરવામાં આવે છે. આથી રાજ્ય સરકાર ઉદ્યોગકારોના વેપારની સુરક્ષા માટે ખાસ સીટ લઈને આવ્યું છે. જેનાથી કોઈ પણ ઠગાઈ કરનાર દેશના કોઈપણ ખૂણે હશે તો કાયદો એને નહિ છોડે અને સીરામીક ઉદ્યોગકારોના નાણા પરત મળશે એનું તેઓએ વચન આપ્યું હતું.




