હળવદ: આજના મોબાઇલ યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે જુના અમરાપર શાળામાં ‘વિસરાતી રમતોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓને પહેલાની રમતો પ્રત્યે જાણ થાય તેમજ તે રમતો પ્રત્યે પોતાની અભિરુચિ કેળવે તે હેતુથી વિસરાતી રમતો રમાડવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને લીંબુ-ચમચી, કોથળા દોડ, ત્રિ-પગી દોડ, સંગીત-ખુરશી, એક મિનિટની વિવિધ રમત, રસ્સા ખેંચ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ, દેડકા દોડ જેવી રમતોમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું.
આ શાળા રમતોત્સવનું માર્ગદર્શન- આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, જયેશભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવ્યા હતા.

