વરસાદની પરિસ્થિતિ બાદ રોડ રસ્તા, પાણીના નિકાલ તેમજ સ્વચ્છતા સહિતના મુદ્દે બેઠક યોજતા જિલ્લા કલેક્ટર
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી રોડ રસ્તા, પાણીનો નિકાલ, સ્વચ્છતા તથા ટ્રાફિક સહિતના મુદ્દે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ સંબંધિત વિભાગો સાથે ચર્ચા વિચારણા કરી તેમને જરૂરી સુચનાઓ આપી હતી.
જિલ્લામાં કોઈ પ્રશ્નો ન સર્જાય તથા લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે તે મુદ્દાને ભાર આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે જ્યાં જ્યાં રોડ રસ્તાઓને નુકસાન થયું હોય ત્યાં તાત્કાલિક પેચ વર્ક સહિત રીપેરીંગ કામ કરવામાં આવે અને નુકસાનગ્રસ્ત રોડના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન સર્જાય, હજુ પણ કોઈ વિસ્તારમાં જો પાણી ભરાવાની સમસ્યા હોય તો તેનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તથા વરસાદ બાદ રોગચાળાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કરી દવા છંટકાવ અને ફોગીંગ સહિતની સઘન કામગીરી કરવામાં આવે તેવી કડક સુચના આપવામાં આવી હતી.
વધુમાં કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવામાં ન આવે તો નોટિસ આપવા તથા કચ્છ-મોરબી હાઇવે પર હળવદ-અમદાવાદ હાઈવે જ્યાંથી અલગ પડે છે ત્યાં પણ સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, પ્રાંત અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.