રાજકોટ – ભુજ વચ્ચે બંધ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ફરીથી શરૂ કરાઈ
સૌરાષ્ટ્રમાં મોરબી અને કચ્છ જીલ્લાએ ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે તેમા પણ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્ર હોવાથી પ્રવાસીઓ બહોળી સંખ્યામાં કચ્છની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ભુજ વચ્ચે માર્ચ-જુનમાં શરૂ કરેલી ખાસ ટ્રેન બંધ કરવામાં આવી હતી તેને ફરીથી સમય મર્યાદામાં અઠવાડીયામાં ત્રણ દિવસ દોડાવવા નકકી કરવામાં આવ્યું છે. જે ૫૪ જેટલા ફેરા કરશે.
ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૯ જુલાઈ, ૨૦૨૫ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે ૨૨.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૦૦ વાગ્યે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈ, ૨૦૨૫ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે ૨૩.૧૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૫૦ વાગ્યે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ માટેનું બુકિંગ ૨૬ જુલાઈ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.