રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતા; આજે ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ અરબસાગરમા સર્જાયેલ વેલ માર્ક લો પ્રેશર આજે ડીપ્રેશનમા પરિવર્તિત થયુ છે જેના કારણે દ. ગુજરાત, દ. સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. અને પવનની ગતિ રાજ્યમાં ૩૫-૫૦ કિમી પ્રતિ કલાકની રહશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે, સાથે સાથે ઉત્તર, મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જમ કે અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહવા સૂચના આપવામાં આવી છે.