મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરમાં આરોગ્યની સુવિધાઓ વધારવા તથા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી લોકોને ગાંધીચોકમા દવાઓ લેવા માટે લાંબુ ન થવુ પડે તે માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નવી અદ્યતન સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી તથા ભાવીક ભટ્ટ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જીલ્લો બન્યા બાદ જીલ્લા કેન્દ્ર મોરબી નગર છે, તેમજ મહાનગર પાલીકાનું કેન્દ્ર મોરબી નગર શહેર છે. તેમજ આરોગ્યની દ્રષ્ટિએ થી જીલ્લાભરના નાગરીકો શ્રમિકો મહિલા બાળકો અને સીનીયર સીટીઝન તેમજ જરૂરીયાતમંદ આર્થિક પછાત નાગરીકો મોરબી સરકારી હોસ્પીટલ ગાંધીચોક ખાતે આવે છે. આરોગ્ય કેન્દ્રમાં આવનાર નાગરીકોની સંખ્યા વધુ પડતી હોવાને કારણે પાર્કિંગ સુવિધાથી માંડીને બધીજ દ્રષ્ટિએ એક જ હોસ્પીટલ અપુરતી છે તો મોરબીના સામાકાંઠે ખાતે નવી જ અદ્યતન સુવિધા સભર સીવીલ હોસ્પીટલ કાર્યરત થાય તો આરોગ્યની દ્રષ્ટિથી લોકોને સારી સુવિધા મળશે.
જો મોરબીના સામાકાંઠે નવી સીવીલ હોસ્પીટલ બને તો માળીયા તાલુકામાંથી તેમજ હળવદ તાલુકા માંથી તેમજ વાંકાનેર ના ગ્રામજનો ને સામા કાંઠે પ્રવેશ તાજ આરોગ્ય સુવિધા મળશે જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે. આરોગ્ય સેવાનું વિકેન્દ્રિકરણ થાય તે સમયની માંગ છે, આખો જીલ્લો આખું મહાનગર માત્ર ગાંધીચોક હોસ્પીટલ ઉપર જ આધારીત છે જેથી ખુબ જ બહોળા પ્રમાણમાં આવતાં નગરજનો ને અસુવિધા થાય છે અથવા તો બીજા શબ્દોમાં આરોગ્ય સેવાની જગ્યા અપુરતી લાગે છે. જેથી મોરબીના સામાકાંઠે વિસ્તારમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માંગ કરી છે.