વિવિધ કામોને આપવામાં બહાલી આપવામાં આવી
આજ રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસના કામોની સૈદ્ધાંતિક મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને વિકાસના વિવિધ ૨૨૨ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ૧૫માં નાણાં પંચ અનુસાર નાગરિકોને જેટલા પણ વિકાસના કાર્યો મળવાપાત્ર છે તેને પૂરા કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.વિપક્ષ દ્વારા સદસ્યોના કામ થતા ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેના જવાબમાં ડીડીઓએ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ જે પ્રાથમિક સુવિધા સહિતના મહત્વના પ્રશ્નો હશે તેને ૩ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશેમ તેવું જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક આજે શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પ્રથમ સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને અને ગત બેઠકના ઠરાવોની અમલવારીને તેમજ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિવિધ સ્વભંડોળ માટે રજુ થયેલ દરખાસ્તો માટે વહીવટી મંજુરી લેવાઈ હતી તેમજ હેતુફેરના નિર્ણય કરવામાં આવ્યો હતો.
અંગે મોરબી જિલ્લા પંચાયતના ડીડીઓ ડીડી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં જેટલા પણ વિકાસના કાર્ય રજૂ થયા હતા તેની વિસ્તૃત માહિતી આ સામાન્ય સભામાં આપવામાં આવી હતી. જેમાં ૧૩ કરોડથી વધુના ૮૫૦ જેટલા વિકાસના કાર્યો પૂર્ણ થઈ ગયા હતા અને તેનું ચુકવણું પણ થઈ ગયું હોવાનું દાવો ડીડીઓએ કર્યો હતો. આ સાથે રૂપિયા ત્રણ કરોડનું ચુકવણું પેન્ડિંગ છે. તેની વાત કરીએ તો તેમાં કમ્પ્લીશન ફોર્મ સહિતના આનુસંગિક દસ્તાવેજો ના કારણે કાર્યવાહી અટકેલી છે. તે ત્રણ ચાર દિવસમાં પૂર્ણ કરીને રૂ.૩ કરોડના વિકાસ કાર્યનું ચૂકવવાનું પણ કરવામાં આવશે. આ આંકડો દર્શાવે છે કે વિકાસ કાર્યોમાં અમે ૫૦% સુધીના કામ પૂર્ણ કરી લીધા છે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં ડીડીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના જે વિકાસના કાર્યો ઘણા સમયથી પેન્ડિંગ છે.તેની આજે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. હાલ ચોમાસાને પગલે કામગીરી કરવી હિતાવહ નથી જેને કારણે અમે કામગીરી હાલ અટકાવી દીધી છે પરંતુ એ વિકાસના કાર્યો માટે કરવાની થતી કામગીરી અંગેની તૈયારીઓ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વભંડોળના કામો આયોજનના કામો જેના અમલીકરણની જવાબદારી જે તે તાલુકા વિકાસ અધિકારીની હોય છે. તે કામોની પણ આજે સમીક્ષા કરવામાં આવી હતી અને જેટલા પણ વિકાસના કામો ગ્રામ્ય કક્ષાએ અટકેલા છે. તેમાં રહેલી સમસ્યાઓ અંગે આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને તેમાં રહેલી અડચણોને દૂર કરવા અંગે ના સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેતુ ફેરના કામો અંગે પણ જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વિગતે વાત કરવામાં આવી હતી તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં ડીડીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ઉપરાંત અન્ય કુટુંબ કલ્યાણના કાર્યો, પૂર્ણ શક્તિ યોજનાના કાર્યો જિલ્લા પંચાયત દ્વારા નિરંતર રીતે સંપન્ન કરવામાં આવે છે. આજે જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં મીટીંગ હોલ રીક્રીએશન ક્લબ સહિતના નવા પ્રકલ્પોનું પણ અમે ઉદ્ઘાટન કરીશું અને આ કામગીરી બે મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પ પ્રજા માટે રહેશે અને પ્રજા જ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ૧૫માં નાણાંપંચના કામો સહિતના કામો પેન્ડિગ હોય તેવા તમામ કામોને આગામી ત્રણ માસમાં ઝડપથી પુરા કરવાના પ્રયાસો હાથ ધરાશે. તેવું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તોને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેની વાત કરીએ તો રૂ.૫.૫૦ કરોડના ખર્ચે ૧૯૦ જેટલા સૈદ્ધાંતિક કામો, રૂ.૬૬.૯૧ લાખના ખર્ચે ૧૬ હેતુફેરના કામો તેમજ રૂ.૬૩. ૫૦ લાખના ખર્ચે ૧૬ વહીવટી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. તેવું તેમણે જણાવ્યું હતું.
