મોરબીના સાવસર પ્લોટમાં લારી-ગલ્લાના દબાણથી ટ્રાફિકજામ, ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો
ટ્રાફિક પોલીસ ધૃતરાષ્ટ્ર બની ને કામગીરી કરી રહ્યું હોય તેવો ઘાટ: ટ્રાફિક પોલીસ ને ફક્ત મેમો બનાવી લોકોને ખંખેરવામાં જ રસ ?
મોરબી જિલ્લા પોલીસ વડા ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાતો કરી રહ્યા છે પણ કામ ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ ઝોનમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણથી રોજબરોજ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, છતાં ટ્રાફિક પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં શહેરની અનેક મુખ્ય હોસ્પિટલો આવેલી હોવાથી આ વિસ્તારને મેડિકલ ઈમરજન્સી માટે અત્યંત મહત્વનો ગણવામાં આવે છે. તેમ છતાં, અહીં રસ્તા ઉપર અને હોસ્પિટલ આસપાસ આડેધડ લારી-ગલ્લા વાળાઓ પોતાની કેબીનો અને લારીઓ ઊભી રાખી દેતા હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન ચારથી પાંચ વખત ટ્રાફિકજામ સર્જાય છે, જેના કારણે એમ્બ્યુલન્સ તેમજ ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણી વખત તો મેડિકલ ઈમરજન્સી સમયે દર્દીઓના જીવ પર જોખમ ઊભું થાય તેવી સ્થિતિ સર્જાતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ બાબતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મોરબી ટ્રાફિક પોલીસ શાખા દ્વારા ગેરકાયદેસર લારી-ગલ્લા વાળાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આખરે આ દબાણો સામે પગલાં કેમ લેવામાં આવતા નથી. હાલ સાવસર પ્લોટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા મોરબી ટ્રાફિક પોલીસથી અજાણી નથી, અનેક વાર ટ્રાફિક પોલીસને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા મૌન અપનાવાતા નાગરિકોમાં અસંતોષ ફેલાયો છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં મોરબી ટ્રાફિક પોલીસ આ વિકટ સમસ્યાનું કોઈ સ્થાયી નિવારણ લાવે છે કે પછી ભૂતકાળની જેમ માત્ર મુક પ્રેક્ષક બની રહેશે ? તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.