પરપ્રાંતિયોને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર ત્રણ સામે ગુન્હો દાખલ
મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન આપનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
પ્રાંત માહિતી મુજબ મોરબી એસઓજી દ્વારા પરપ્રાંતિય મજુરો બાબતે જાહેરનામાનો અમલ કરાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કબીર ટેકરી ખાતે બે અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રમેશભાઇ જીવાભાઇ અગેચણીયા ઉવ.૫૫ રહે.કબીર ટેકરી મોરબી વાળાએ પોતાના મકાનમાં પરપ્રાંતિય મજુરોને રાખી તેમની માહિતી સ્થાનિક પોલીસ મથક તથા સંબંધિત કચેરીમાં આપી ન હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે બીજી ઘટનામાં કબીર ટેકરી વિસ્તારમાં અલ્તાફભાઇ હાજીભાઇ ખુરેશી ઉવ.૩૫ રહે. કબીર ટેકરી મોરબી વાળા દ્વારા પણ પોતાના મકાનમાં પરપ્રાંતિય મજુરોને રાખી પોલીસને કોઈ માહિતી ન આપ્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલપર ગામના ઓર્સન જોન કોલોની સ્થિત એ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૨૦૧માં આરોપી રેનીસભાઇ કિશોરભાઇ ભાલોડિયા ઉવ.૪૨ રહે. મોરબી-૨ વાળાએ ભાડા કરાર કર્યા વિના બહારના લોકોને ફ્લેટ ભાડે આપી તેમની વિગતો પોલીસને ન આપ્યાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ ત્રણેય કિસ્સામાં મોરબી અધિક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી એસઓજી પોલીસે સંબંધિત પોલીસ મથકમાં બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.