નવા વર્ષે સૂરજની પેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી ગુજરાત વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે; મોરબી જિલ્લો પણ બનશે સહભાગી
મોરબીમાં નાલંદા વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન; કાર્યક્રમમાં પધારવા મોરબીની જનતાને જિલ્લા કલેકટરનું હાર્દિક નિમંત્રણ
૧લી જાન્યુઆરીના રોજ ગુજરાત સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બનશે. જે અન્વયે મોરબીમાં ૧લી જાન્યુઆરીના રોજ નાલંદા વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક અન્વયે કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેકટરે સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત કલેકટરે મોરબી જિલ્લાની તમામ જનતાને સવારે ૦૭:૦૦ વાગ્યે નાલંદા વિદ્યાલય ખાતે પધારી આ વિશ્વ વિક્રમમાં સહભાગી બનવા હાર્દીક નિમંત્રણ પાઠવ્યું છે.
વર્ષના પ્રથમ દિવસે એટલે કે, ૧લી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્ય યોગ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કુલ ૫૧ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થળોમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ મોરબી જિલ્લામાં શ્રી નાલંદા વિદ્યાલય, વિરપર, તા:-ટંકારા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકો સુર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવશે.
આ બેઠકમાં કલેકટર સાથે જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, પોલિસ ઈન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.