ટંકારા પંથકમાં કેબલ ચોરીની ગેંગ બેફામ: બે મહિનામાં ૧૦૦ ખેડૂતોને નુકસાન
૮૦થી વધુ ખેડૂતો પોલીસ મથકે ઉગ્ર રજૂઆત,પોલીસની ઢીલી કાર્યવાહી સામે ખેડૂતોનો ફાટી નીકળેલો રોષ
ટંકારા તાલુકાના ગજડી ગામની સીમામાં છેલ્લા બે મહિનાથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં અંદાજે ૧૦૦ ખેડૂતોના ખેતરોમાંથી રૂ. ૧૫ લાખથી વધુના મોંઘા કોપર કેબલ વાયરની ચોરી થવાથી ખેડૂતોની આર્થિક નુકસાની થઈ છે.
ચોરીના બનાવોને લઈ વારંવાર રજૂઆતો છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા આખરે ગજડી ગામના લોકોએ ચોરી કરનાર બે ઇસમોને પકડ્યા બાદ ટંકારા પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે અંદાજે રૂ. ૭૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ ગજડી ગામના ખેડૂતો દ્વારા ખેતરમાં સિંચાઈ અને વીજ પુરવઠા માટે મોંઘા કોપરના કેબલ વાયર નાંખવામાં આવ્યા છે. છેલ્લા બે મહિનાથી આ કેબલ વાયરો ચોર ઇસમો દ્વારા વારંવાર ચોરી કરી લઈ જવામાં આવી રહ્યા છે. આ બાબતે ટંકારા પોલીસ સ્ટેશનમાં આશરે ૪૦થી ૫૦ જેટલી અરજીઓ કરવામાં આવી હોવા છતાં માત્ર એક જ ફરીયાદ લેવામાં આવી હોવાનું ખેડૂતોનું કહેવું છે.
પોલીસની નિષ્ક્રિયતા સામે કંટાળેલા ખેડૂતો દ્વારા પોતાની રીતે તપાસ કરતા ચોરાયેલ કેબલ વેચવા જતા બે ઇસમોને પકડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે અંદાજે ૮૦થી ૯૦ ખેડૂતો ટંકારા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતો દ્વારા પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. સાથે સાથે ચોરાયેલ કેબલ મોરબીમાં જે સ્થળે વેચાણ કરવામાં આવે છે તે ખરીદનાર ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો આગામી બે દિવસમાં પોલીસ દ્વારા યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગજડી ગામના તમામ ખેડૂતો ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.