ટંકારા નજીક ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું ઈન્સપેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરતા ઈન્ચાર્જ કલેક્ટર
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઈનર બ્રીજની મુલાકાત કરી મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ બ્રિજનું ઈન્સપેક્શન કર્યું હતું અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ઈન્ચાર્જ કલેક્ટરએ જણાવ્યું હતું કે, ફુલઝર નદી પરનો આ બ્રિજ લગભગ વર્ષ ૧૯૭૮ માં બનાવવામાં આવ્યો હતો. પુલને ૫૦ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી સમયની અસરને કારણે પુલની આસપાસ ખવાણની અસર થઈ હતી. જેના કારણે આ પુલના પિલર્સની આજુબાજુ અંદાજિત રૂ. ૪૮ લાખના ખર્ચે આરસીસીનું એક કવર બનાવી જેકેટિંગ કરવામાં આવ્યું છે અને સલામતી માટે અન્ય કામગીરી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક ૨૪ મેજર બ્રિજ અને ૪૮ માઇનર બ્રીજ આવેલા છે. જેમાં મેજર અને માઇનર એમ બંને પ્રકારના બ્રિજની ચકાસણી હાલ પૂર્ણ કરવામાં આવી છે. જેની ડિઝાઇન ટીમ અને કન્સલ્ટન્ટ ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવી છે. આ તપાસના ભાગરૂપે માળીયા હળવદ અને વાંકાનેર તાલુકાના કુલ ૩ મેજર બ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જરૂરી તપાસ પૂર્ણ થતા એ બ્રિજ પર રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવવામાં આવશે.
મોરબી અને જામનગર એમ બે જિલ્લાને જોડતો આ માર્ગ ટંકારા લતીપર ધ્રોલ સહિતના શહેરો સાથે જોડાયેલો છે. ત્યારે આ રોડ પર આવેલ ફુલઝર નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. જે બ્રિજનું નિરીક્ષણ કરી મોરબી ઈન્ચાર્જ કલેક્ટરએ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી.