ટંકારા તાલુકામાં ખેડૂતોને સહાય ચૂકવી દેવું માફ કરવાની કોંગ્રેસ અગ્રણીની માંગ 
 
ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠાના કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી તાત્કાલિક જાહેર કરવા બાબતે કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજકોટિયા દ્વારા સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં હતું કે, ટંકારા તાલુકામાં થયેલા અણધાર્યા માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના પાકને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમાં જ સડી ગયા છે, જેના કારણે ખેડૂતો પર ભયંકર આર્થિક સંકટ ઊભું થયું છે જેથી ટંકારા તાલુકાના તમામ ખેડૂતો કંગાળ અને પાયમાલ થઈ ગયા છે.
જે તારીખ 3-11-2025ના રોજ અમારી સાથે 45 ગામના ખેડૂતો તથા આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામ ખેડૂતોએ પોતાની વ્યથા દુર્દશા જણાવીને સરકારને ખેડૂતોની દયનીય અને કરુણતા ભરી વિંનતી આવેદનપત્ર રૂપે ટંકારા તાલુકા મામલતદારને આપવામાં આવેલ છે. પરંતુ, અન્ય જિલ્લાના તાલુકાઓમાં થયેલા પાકના નુકસાન બદલ સહાય પેકેજ સરખામણીમાં ટંકારા તાલુકામાં ઓછું સહાય પેકેજ જાહેર થવાની શક્યતા ખેડૂતોમાં હોય જો આવુ થયું તો ટંકારા તાલુકાના ખેડૂતોની મશ્કરી બની રહે નહી અને ઓછી સહાય મળ્યા બાદ ખેડૂત ભાઈઓમાં આ બાબતે ભારે રોષ અને નિરાશા વ્યાપવા સાથે જાહેરમાં નારાજગી વ્યક્ત કરે તો નવાઈ નહીં. કેમ કે વર્ષ 2024માં આવો અનુભવ ટંકારા તાલુકાના ખેડૂતોને થયો હતો. આજે પણ સહાય વિહોણા ખેડૂતોને ડર સતાવતો રહે છે જે ફરીવાર દોહરાય નહીં તે જોવાની જવાબદારી આપ હાલ પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે જનહિત આપના શીરે છે.
જો ટંકારા તાલુકાના ખેડૂતો સાથે ન્યાય થશે અને સહાય ચુકવવામાં મામકાવાદ કે કોઈ પણ ગામમાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો અમારી પાસે ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા સિવાય બીજો વિકલ્પ નહીં બચે.
આવો પ્રસંગ ન આવે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. આપ અમારા જિલ્લા મોરબીના સાંસદ સભ્ય અને ધારાસભ્યો સાથે સંકલન કરી આપની ફરજ છે કે ખેડૂતો વતી તત્કાલ સહાય મળી રહે અને પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ થાય તેવી વિનંતી કરવામાં આવી છે.