તપાસ સમિતિ દ્વારા 13 લોકો ના નિવેદનો તો લેવાયાં પણ તપાસ આગળ વધતી દેખાઈ નથી રહી
શું ભ્રષ્ટાચારીઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે ?
મોરબી: મોરબીના વાંકાનેર ની શિક્ષણ શાખામાં વર્ષ 2017 થી 2019 સુધીમાં આચરાયેલા શ્રેણી બંધ ભ્રષ્ટાચાર નો ભાંડો ઓડિટ દરમિયાન જ ફૂટી ગયો હતો આમ છતાં ભ્રષ્ટાચારનું ભૂત બહાર નહોતું આવી રહ્યું પરંતુ જાગૃત લોકો દ્વારા આ પ્રકરણ પર સવાલો ઉભા કરાયા ત્યારે સંબંધિત તંત્રએ સમિતિ બનાવી તપાસ શરૂ કરવાનું નાટક ચાલુ કર્યું હતું આ તપાસ સમિતિ દ્વારા હાલ કોઈ નક્કર પરિણામ નથી અપાયું દરમિયાન એક શિક્ષકને મામૂલી સજા અપાય છે ત્યારે ભ્રષ્ટાચારીઓની રીતસર છાવરતા હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
વાંકાનેર શિક્ષણ શાખામાં વર્ષ-૨૦૧૯ માં શરૂ થયેલ ભ્રષ્ટાચારની તપાસ ૨૦૨૩ માં પણ અધૂરી રહેશે કે પછી આગળ વધશે એ આવનારાં દિવસોમાં ખબર પડી રહેશે.
જે તે વખતે તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ જે હમણાં દાહોદ ખાતે રોકડા એક લાખ હાથોહાથ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયેલ છે એમને ખૂબ મોટો વહીવટ કરી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ ભ્રષ્ટાચારીઓ પૈકી અરવિંદ પરમારને મામુલી સજા કરી હતી અને ભ્રષ્ટાચાર જેમના ઈશારે થયો હતો એવા મોટા માથાઓને બચાવી લીધા હતા,કંઈક આવો જ માહોલ હાલ બની રહ્યો એવા અહેવાલો આવી રહ્યા છે, ભ્રષ્ટાચારમા સંડોવાયેલા જેમના બેંક એકાઉન્ટમાં સરકારી રૂપિયા જમા થયેલ છે એવા લોકો અને જેમની સહીથી બેંકમાં રૂપિયા જમા કરવામાં આવેલ છે એવા તેર જેટલા લોકો પૈકી ત્રણ શિક્ષકો એમના સગા સંબંધીઓ તેમજ તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા વિકાસ અધિકારી વગેરે તેર જેટલા લોકોના તા.૦૯-૦૫-૨૦૨૩ ના રોજ નિવેદન લીધા એને પણ તેર દિવસ જેટલો સમય વ્યતિત થઈ ગયો હોવા છતાં ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી થયેલ ન હોય ફરી એકવાર વર્ષ ૨૦૧૯ નું પુનરાવર્તન કરી ભ્રષ્ટાચાર કરનાર મોટા માથાને બચાવવા વર્ષ – ૨૦૨૩ માં પણ તપાસ અધૂરી છોડી દેવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે એક તરફ મોદી જી ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો કરે છે તો બીજી તરફ એમના જ ગુજરાત રાજ્યમાં શિક્ષણ શાખામાં ઠંડા કલેજે ભ્રષ્ટાચાર આચારનારા ઓને છાવરતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
