ગોંડલ: શહેરની જૂની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી અદાવતમાં ગત રાત્રિના રોજ એક વેપારી પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા ૩૮ વર્ષીય ગૌરવભાઈ ભરતભાઈ જોશીએ આ મામલે બીટુભા જાડેજા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી ગૌરવભાઈની નાની બજારમાં ‘કલા નિકેતન નોવેલ્ટી સ્ટોર’ નામની પાઘડી પનાની દુકાન આવેલી છે. આ દુકાન હડપ કરી લેવાના ઈરાદે આરોપી બીટુભા જાડેજા અવારનવાર દબાણ કરતો હતો. ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ જ્યારે ગૌરવભાઈ ગુંદાળા પેટ્રોલ પંપ પાસે ઉભા હતા, ત્યારે આરોપીઓએ ત્યાં આવી ‘તને અને તારા બાપને કાલથી દુકાને બેસવા નહીં દઉં’ તેમ કહી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
આ વિવાદે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિના આશરે સવા નવેક વાગ્યાની આસપાસ જ્યારે વેપારી પોતાની અન્ય દુકાન પાસે બેઠા હતા, ત્યારે બીટુભા જાડેજા, તેનો પિતરાઈ ભાઈ અને અન્ય બે અજાણ્યા માણસો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ‘તને આજે પતાવી દેવો છે’ તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. ગૌરવભાઈ પર લોખંડના પાઈપ વડે માથામાં ઘા કરવા જતાં તેમણે હાથ આડા રાખ્યા હતા, જેના કારણે તેમના બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા અને આરોપીઓએ તેમને બેરહેમીથી મારીને બંને પગ પણ ભાંગી નાખ્યા હતા.
આ હિંસક હુમલા દરમિયાન ગૌરવભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર હરદીપભાઈ પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો, જેમાં તેમને પણ હાથમાં ફ્રેક્ચર અને અન્ય ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ આજુબાજુના લોકો એકઠા થઈ જતાં ચારેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાલમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં વેપારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ સીટી પોલીસે આ મામલે બીટુભા જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૯(૧), ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૦૮(૪), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.






