રાજકોટ: ગૌ-આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપી ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આગામી 20 થી 23 માર્ચ 2026 દરમિયાન મહારાષ્ટ્રના પુના ખાતે ‘ગૌ ટેક 2026’ નામના આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પુનાના એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના નીતિ નિર્ધારકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને અંદાજે 5 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટી પડશે તેવી સંભાવના છે.
આ પ્રદર્શન અંગે વધુ વિગતો આપતા GCCIના સ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથિરીયાએ જણાવ્યું હતું કે, ગૌમાતાનું દૂધ, ગૌમૂત્ર અને ગોબરમાં આર્થિક તેમજ વૈજ્ઞાનિક ક્ષમતા રહેલી છે. આ આયોજનમાં 300થી વધુ સ્ટોલ્સ, 12થી વધુ ગૌ-વિષયક સેમિનારો, B2B બેઠકો અને વિદેશી પ્રતિનિધિઓની સહભાગીદારી રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટીઓમાં ‘કામધેનુ ચેર’ની સ્થાપના કરવા માટે કુલપતિ સંમેલનનું પણ આયોજન કરાયું છે, જેથી શૈક્ષણિક સ્તરે ગૌ-વિજ્ઞાનને પ્રોત્સાહન મળી શકે.
‘ગૌ ટેક 2026’ માં ભારત સરકારના MSME મંત્રાલયની ભાગીદારી પ્રાપ્ત થઈ છે, જેના કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગસાહસિકોને સરકારી અનુદાનનો લાભ મળી શકશે. આ ચાર દિવસીય કાર્યક્રમમાં ગૌ-પર્યટન, પંચગવ્ય ચિકિત્સા, આયુર્વેદ, અને ગૌ-આધારિત સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ રાજ્યોની ગૌ-સેવા આયોગની ટીમો પણ મુલાકાત લેશે અને પશુપાલકોને નવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપશે.
વિશેષ આકર્ષણ તરીકે, કાર્યક્રમમાં ભારતીય દેશી ગાયોની વિવિધ જાતિઓનું જીવંત પ્રદર્શન યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ ભવ્ય આયોજન પૂર્વે 15 માર્ચ 2026ના રોજ ભૂમિ પૂજન વિધિ સંપન્ન થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પદ્મશ્રી વિજય ભાટકર, પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકર અને IFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જેવા મહાનુભાવો માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ ઈવેન્ટના સંચાલન માટે ‘ટોરેડો ફેર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ની વરણી કરવામાં આવી છે.
GAU TECH – 2026 ની માહિતી આપવા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં GCCI ના ડૉ. વલ્લભભાઈ કથીરીયા, મિતલ ખેતાણી, રમેશભાઈ ઘેટિયા, વિજયભાઈ ડોબરિયા, દિલીપભાઈ સખીયા, ભાનુભાઈ મહેતા, ચેતનભાઈ રામાણી, જયંતીભાઈ સરધારા, પ્રતીક સંઘાણી, વિનોદભાઈ કાછડીયા, રમેશભાઈ ઠક્કર, ભાવેશભાઈ ગધેથરીયા, ગૌરાંગભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, વીરાભાઇ હુંબલ, પારસભાઈ મહેતા, હિરેનભાઈ હાપલિયા, પ્રો. રમેશભાઈ કોઠારી, ચંદ્રેશભાઇ પટેલ, વસંત લિંબાસિયા, કિશોરભાઈ વોરા, હરેશભાઈ પંડ્યા, અરુણભાઈ નિર્મળ, પ્રકાશભાઈ સોલંકી, નિલેશભાઈ શાહ, પ્રભાતભાઈ ડાંગર, દિલીપભાઈ કલોલા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






