મોરબી ACB ટીમે વાંકાનેર નજીકથી સણોસરા ગ્રામ પંચાયતના સરપંચના પુત્રને 1.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો
રાજકોટ તાલુકાની સણોસરા ગ્રામ પંચાયતના સરપંચના પુત્રએ ફેક્ટરીના સેડનો મજુરી કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પાસેથી બાંધકામની મંજૂરી આપવા માટે રૂ. 2.50 લાખની લાંચ માંગતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય ફરીયાદીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને આ બાબતે જાણ કરતા મોરબી ACB ટીમે વાંકાનેરના ગુલશન પાર્ક મેઈન રોડ પર છટકું ગોઠવીને સરપંચના પુત્રને રૂ. 1.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ તાલુકાના સણોસરા ગામ નજીક આવેલ શ્રીનાથજી પોલીટેક નામની ફેક્ટરીના સેડના કામનો એક વ્યક્તિએ મજુરી કોન્ટ્રાકટ રાખ્યો હતો જેની સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવાની જવાબદારી આ કોન્ટ્રાક્ટરની હોય સણોસરા ગ્રામ પંચાયતનેે બાંધકામની મંજુરી આપવા તેઓએ અરજી કરી હતી ત્યારબાદ કોન્ટ્રાક્ટર સણોસરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જુબેદાબેનને રૂબરૂ મળ્યા હતા ત્યારે સરપંચને લગતુ કોઈપણ કામ પોતાનો દિકરો રાહિદ કરતો હોય તેની સાથે વાત ચીત કરવા સરપંચે જણાવતા કોન્ટ્રાક્ટર સરપંચના પુત્ર રાહિદને રૂબરૂ મળ્યા હતા ત્યારે સરપંચના પુત્રએ બાંધકામની મંજુરી આપવા રૂ. 2,50,000 ની માંગણી કરી હતી અને રકજકના અંતે રૂ. 1,50,000 માં નકકી કર્યું હતું પરંતુ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ મોરબી એસીબીને આ બાબતની જાણ કરતા મોરબી એસીબી પીઆઈ જે એમ આલની ટીમે વાંકાનેરના ગુલશન પાર્ક મેઈન રોડ પર આવેલ આર. કે. વોટર સપ્લાઈ નામના કારખાના નજીક છટકું ગોઠવીને સરપંચના પુત્ર રાહિદ રઝાકભાઇ શેરસીયા (ઉં.વ. 26) ને રૂ. 1,50,000 ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો અને આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
